Home Loan Transfer: શું તમે પણ હોમ લોનને બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છો? જાણો સમગ્ર પ્રક્રિયા

જો તમે પણ હોમ લોન લીધી છે અને તમારી બેંકનો વ્યાજદર વધારે છે. તમે હવે તેને અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છો તો કેવી રીતે કરવી, જાણો

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 30 Oct 2025 04:27 PM (IST)Updated: Thu, 30 Oct 2025 04:27 PM (IST)
how-to-transfer-home-loan-to-another-bank-know-complete-process

Home Loan Transfer Tips: જો તમે પણ હોમ લોન લીધી છે અને તમારી બેંકનો વ્યાજદર વધારે છે અને તમે હવે તેને અન્ય ઓછા વ્યાજદરવાળી બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છો તો કેવી રીતે કરવી, એની પ્રોસેસ શું હોય છે. તે જાણવું ખૂબ જ જરુરી છે. આ પગલાથી તમે હજારો રુપિયાની બચત કરી શકો છો.

હોમ લોનને એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કહેવાય છે. આનો મુખ્ય હેતું ઓછા વ્યાજદરે અન્ય બેંકમાં લોન મેળવવાનો અને લાખો રુપિયાની બચત કરવાનો છે. આ વસ્તુ એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે તમે 9 ટકાના વ્યાજદરે 20 લાખની લોન લીધી છે અને નવી બેંક તમને 8 ટકાના વ્યાજે લોન આપે તો તમે ઘણા રુપિયા બચાવી શકો છો.

હોમ લોનને ટ્રાન્સફર કરતાં પહેલા શું ધ્યાન રાખવું

  • જો તમારી હાલની લોનનો વ્યાજદર નવી બેંકની લોનના વ્યાજદર કરતાં વધારે હોય તો ટ્રાન્સફર કરવું ફાયદાકારક છે.
    ટ્રાન્સફર પ્રક્રિયામાં થતા ખર્ચ જેવા કે પ્રોસેસિંગ ફી, કાનૂની ફી વગેરેની ગણતરી પણ કરવી જરૂરી છે.
  • જો તમારી લોનનો સમયગાળો લગભગ પૂરો થવા આવ્યો હોય તો ટ્રાન્સફર કરવાનો વધારે ફાયદો થતો નથી. કારણ કે શરૂઆતના વર્ષોમાં જ વ્યાજની રકમ વધુ ચૂકવવાની હોય છે, પછીના વર્ષોમાં મુખ્યત્વે મૂળ રકમ ભરવાની હોય છે.
  • એક અલગ ફાયદો એ પણ છે કે લોન ટ્રાન્સફરથી તમારો ક્રેડિટ સ્કોર સુધરી શકે છે, જો તમે નિયમિત રીતે EMI ચૂકવો છો. આગળ જતાં અન્ય નાણાકીય સુવિધાઓ મેળવવામાં આ મદદરૂપ બને છે.

હોમ લોન ટ્રાન્સફર કેવી રીતે કરવી

  • સૌથી પહેલાં વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓના વ્યાજદર, પ્રોસેસિંગ ફી અને શરતોની સરખામણી કરો. ઓનલાઇન માધ્યમો કે નાણાકીય સલાહકારોની મદદથી શ્રેષ્ઠ ઓપ્શન શોધો.
  • કેટલીકવાર તમારી હાલની બેંક પણ તમને રોકવા માટે વ્યાજદર ઘટાડવા તૈયાર થાય છે. આથી પહેલાં તમારી જ બેંકનો સંપર્ક કરવો યોગ્ય રહે છે. આનાથી ટ્રાન્સફરના ખર્ચ અને મહેનતથી બચી શકાય.
  • જો તમે ટ્રાન્સફર કરવાનું નક્કી કરો તો તમારી વર્તમાન બેંકમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC), ફોરક્લોઝર લેટર અને લોન સ્ટેટમેન્ટ મેળવવા પડે છે. આ દસ્તાવેજો દર્શાવે છે કે તમે નિયમિત રીતે EMI ચૂકવી રહ્યા છો અને તમારી લોન ટ્રાન્સફર કરવા માટે કોઈ વાંધો નથી.
  • નવી બેંકમાં હોમ લોન ટ્રાન્સફર માટે અરજી કરો ત્યારે પાન કાર્ડ, આધાર કાર્ડ, આવકના પુરાવા, બેંક સ્ટેટમેન્ટ, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ વગેરે જેવા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે.
  • નવી બેંક તમારી આવક, ક્રેડિટ સ્કોર અને પ્રોપર્ટીની કિંમતની ચકાસણી કરશે અને યોગ્ય લાગશે તો મંજૂરી આપશે.
  • નવી બેંક મંજૂરી આપ્યા બાદ તમારી જૂની બેંકની બાકી રકમ ચૂકવી દે છે અને લોન તેમના નામે ટ્રાન્સફર થાય છે.
  • આ આખી પ્રક્રિયામાં સામાન્ય રીતે 15 થી 20 દિવસ લાગી શકે છે.

હોમ લોન ટ્રાન્સફર એ સારો વિકલ્પ છે જો તમે યોગ્ય રીતે તેનું આયોજન કરો. દર મહિને થોડી બચત પણ લાંબા ગાળે મોટી રકમ બની જાય છે. પરંતુ ઉતાવળમાં નિર્ણય ન લો. તમામ બેંકોની શરતો, ખર્ચની યોગ્ય ગણતરી કરો અને જરૂર જણાય તો નાણાકીય સલાહકારની મદદ પણ જરૂર લો.