'શ્રવણ તીર્થ દર્શન યોજના' અંતર્ગત 2100 વડીલો અને બહેનોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં, મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા

ભાવનગરથી 'શ્રવણ તીર્થ દર્શન યોજના' હેઠળ 2100 વડીલો અને બહેનોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આ યાત્રા વડીલો માટે ભાવનાત્મક અને યાદગાર અનુભવ બની રહી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Oct 2026 11:01 PM (IST)Updated: Thu, 22 Oct 2026 11:01 PM (IST)
shravan-tirth-darshan-yojana-pilgrims-and-elders-seek-blessings-at-somnath-mahadev

Shravan Tirth Darshan Yojana Somnath: ગીર સોમનાથના પ્રભાસ પાટણ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. ભાવનગર મતવિસ્તારમાંથી 'શ્રવણ તીર્થ દર્શન યોજના' અંતર્ગત મોટી સંખ્યામાં વડીલો અને બહેનો સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યાં હતાં.

જીવનમાં પ્રથમ વખત સોમનાથ મહાદેવનાં દર્શન કરવાની તક મળતાં વડીલ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમનાથ મંદિરના ઐતિહાસિક વારસા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાન અને ધાર્મિક પ્રવાસનના મહત્ત્વ અંગે વાત કરી હતી.

આ તકે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આ યાત્રામાં અંદાજે 2100 બહેનો જોડાઈ હતી, જેમાં 1,909 જેટલાં વડીલોનો સમાવેશ થાય છે. આ વડીલોમાં અનેક એવા શ્રદ્ધાળુઓ હતાં, જેમણે જીવનમાં પ્રથમ વખત સોમનાથ મહાદેવનાં દર્શન કરવાનો અવસર મળ્યો હતો. આ સાથે સહયોગી બહેનો અને કાર્યકર્તાઓની ટીમ પણ જોડાઈ હતી.

સોમનાથ મહાદેવ સમગ્ર વિશ્વમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતના ઐતિહાસિક વારસા અને સોમનાથના ગૌરવને જાળવી રાખવા માટે વિવિધ પ્રયાસો થયા છે. આજે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત વડીલોને ધાર્મિક સ્થળોનાં દર્શન કરવાની તક મળે છે, ત્યારે સોમનાથ મહાદેવનાં દર્શન અને ધ્વજાપૂજનનો અવસર મળતાં શ્રદ્ધાળુઓમાં ખુશી જોવા મળી હતી. આ યાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ જ નહીં, પરંતુ વડીલોની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલો ભાવનાત્મક અનુભવ પણ બની રહી હતી.

સોમનાથ મહાદેવનાં દર્શન કરીને શ્રદ્ધાળુ બહેનોએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અનેક વડીલો માટે આ યાત્રા જીવનની યાદગાર ક્ષણ બની હતી. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવાનો અને ધ્વજા ચડાવવાનો લહાવો મળતાં શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.