ગુજરાતના 4 જિલ્લામાં નવી બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપી મંજૂરી

રાજ્યમાં તબીબી શિક્ષણનો વ્યાપ વધારવા અને આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 16 Oct 2026 12:53 PM (IST)Updated: Fri, 16 Oct 2026 12:53 PM (IST)
praful-pansheriya-approves-4-new-medical-colleges-in-gujarat-including-kheda-mahisagar-botad-and-gir-somnath

New Medical Colleges in Gujarat: રાજ્યમાં તબીબી શિક્ષણનો વ્યાપ વધારવા અને આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં ખેડા, મહીસાગર, બોટાદ અને ગીર-સોમનાથ જિલ્લાની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને ત્યાં આધુનિક સુવિધાઓથી સજ્જ બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજો સ્થાપવા માટે સંબંધિત સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી છે.

4 જિલ્લાઓમાં મેડિકલ કોલેજો અને હોસ્પિટલોનું નિર્માણ

આ યોજના હેઠળ ખેડા જિલ્લામાં શ્રી ગયાપ્રસાદ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. મહીસાગર જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ, કલોલ (સ્વામિનારાયણ યુનિવર્સિટી), ગીર-સોમનાથ જિલ્લામાં શ્રી ચાણક્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વેરાવળ તથા બોટાદ જિલ્લામાં ડેલ્ટા મિલેનિયમ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ, ભડિયાદ (મોરબી) દ્વારા આધુનિક મેડિકલ કોલેજો અને હોસ્પિટલો વિકસાવવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ

આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને પોતાના જ જિલ્લામાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ તબીબી સારવાર ઉપલબ્ધ થાય અને સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાત તબીબોની ઉપલબ્ધતા વધે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જાહેર-ખાનગી ભાગીદારી (PPP)ના ધોરણે શરૂ થનારી આ ચાર મેડિકલ કોલેજોના પરિણામે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પણ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓનો વ્યાપ વધશે.

હાલની નિઃશુલ્ક સુવિધાઓ યથાવત રાખવાની રહેશે

પસંદગી પામેલી સંસ્થાઓએ સંબંધિત હોસ્પિટલોમાં નાગરિકોને હાલ આપવામાં આવતી તમામ નિઃશુલ્ક સુવિધાઓ યથાવત રાખવાની રહેશે. આ ઉપરાંત, સગર્ભા મહિલાઓને પ્રસૂતિ બાદ તથા 20 દિવસથી એક વર્ષ સુધીનાં બાળકોને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર પૂરી પાડવાની રહેશે. ડાયાલિસિસ સેવાઓ માટે ઓછામાં ઓછા 10 પથારી ધરાવતું યુનિટ કાર્યરત કરવાનું રહેશે. તેમજ ટ્રોમા અને અકસ્માતના દર્દીઓને તાત્કાલિક નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવાની રહેશે.

દર્દીઓના હિતમાં રોગી કલ્યાણ સમિતિની રચના

આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના જણાવ્યા પ્રમાણે, દર્દીલક્ષી સેવાઓના સુચારુ સંચાલન અને આયોજન માટે સંબંધિત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નવી રોગી કલ્યાણ સમિતિની રચના કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અમલીકરણથી સ્થાનિક સ્તરે તબીબી શિક્ષણની બેઠકોમાં વધારો થવાની સાથે નાગરિકોને આધુનિક આરોગ્ય સેવાઓનો લાભ વધુ સરળતાથી મળી રહેશે.