આણંદમાં 350 બેડની નવી સિવિલ હોસ્પિટલ થઈ રહી છે તૈયાર, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કરી સમીક્ષા

આણંદ ખાતે બની રહેલી 350 બેડની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલની કામગીરીની આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સમીક્ષા કરી. જાણો ક્યારે લોકાર્પણ થશે અને શું મળશે સુવિધાઓ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 13 Oct 2026 11:42 PM (IST)Updated: Tue, 13 Oct 2026 11:42 PM (IST)
health-minister-prafulbhai-pansheriya-reviews-anand-civil-hospital

Anand News: રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ દ્વારા આણંદ ખાતે નિર્માણ પામી રહેલી 350 બેડની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલની મુલાકાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ લીધી હતી. આ સમીક્ષા બેઠક અને મુલાકાત દરમિયાન આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ પણ તેમની સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ચાલી રહેલા બાંધકામ અને આરોગ્ય સુવિધાઓની ઝીણવટભરી તપાસ

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ હોસ્પિટલના ચાલી રહેલા બાંધકામની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે સ્થળ પર હાજર તબીબો તથા ઇજનેરો સાથે વિગતવાર ચર્ચા કરીને કામગીરીની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.

નાનામાં નાના વ્યક્તિને ફ્રી અને ઉત્તમ સારવારનો સંકલ્પ

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે- રાજ્ય સરકારનો મુખ્ય હેતુ આટલું વિશાળ ભવન અને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સમાજના અંત્યોદય સુધીના નાનામાં નાના વ્યક્તિ અને ગરીબ પરિવારને ઓપરેશન તથા દવાઓ સહિતની શ્રેષ્ઠ નિષ્ણાત સારવાર વિનામૂલ્યે અને સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

સ્પેશિયલ મધર એન્ડ ચાઇલ્ડ કેર અને મોડ્યુલર ઓપરેશન થિયેટર

નવી બની રહેલી આ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના આધુનિક મેડિકલ સાધનો, અત્યાધુનિક ઓપરેશન થિયેટર તેમજ ખાસ કરીને માતા અને બાળ સંભાળ (Mother & Child Special Care) માટે વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલ સરકારી લોકકલ્યાણ ક્ષેત્રે આરોગ્ય સેવાઓનું એક ઉત્તમ સેન્ટર બનશે, જેનાથી આણંદ અને આસપાસના ગ્રામીણ વિસ્તારની જનતાને મોટો લાભ મળશે.

ઝડપથી કામ પૂર્ણ કરી લોકાર્પણ કરવા આદેશ

મંત્રીએ આ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરીને હોસ્પિટલનું લોકાર્પણ કરવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે- મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના અનુસાર ચાલી રહેલા આ તમામ કન્સ્ટ્રક્શનના કાર્યો ઝડપભેર અને ગુણવત્તાસભર પૂર્ણ થાય જેથી જનતાને તેનો લાભ વહેલી તકે મળે. આ માટે સરકારી સ્તરે પૂરતી તકેદારી અને દેખરેખ રાખવામાં આવી રહી છે.

સમીક્ષા મુલાકાતમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ

આ મુલાકાત સમયે મંત્રીશ્રીની સાથે મિતેશભાઈ પટેલ (સાંસદ, આણંદ), દેવાહુતી (જિલ્લા વિકાસ અધિકારી - DDO), આર. એન. ડોડીયા (કમિશનર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા), ગૌરવ જસાણી (જિલ્લા પોલીસ અધિક્ષક - SP), અંજલી ઠાકુર (પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર), ડૉ. પિયુષ પટેલ (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી - CDHO) સહિત આરોગ્ય વિભાગ અને નિર્માણ એજન્સીના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.