Rakul Preet Singh in Sasan Gir: ગુજરાતના પ્રખ્યાત સાસણ ગીર અભયારણ્યમાં બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મોટો વિવાદ સર્જાયો છે. આ વાયરલ વીડિયોમાં અભિનેત્રી પ્રતિબંધિત વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનો આક્ષેપ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે વાયરલ વીડિયોનો વિવાદ?
એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'પતિ પત્ની ઔર વો 2' ના પ્રમોશનમાં વ્યસ્ત છે, તે દરમિયાન તે ગિરમાં જંગલ સફારી માટે આવી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં રકુલ પ્રીત સિંહ વન વિભાગના નીતિ નિયમો નેવે મુકીને ગાડીમાંથી ઉતરીને જંગલ વિસ્તારમાં ફરતી જોવા મળી હતી.
સંરક્ષિત વન વિસ્તારમાં જીપમાંથી ઉતરવાની અનુમતિ ન હોવા છતાં અભિનેત્રી નીચે ઉતરતા ફેન્સ ભડક્યા હતા અને સોશિયલ મીડિયા પર સવાલ ઉઠ્યા હતા કે શું સામાન્ય નાગરિકો અને વીવીઆઈપી નાગરિકો માટે વન વિભાગના કાયદા અલગ અલગ છે?
આ પ્રસારિત થઈ રહેલો વીડિયો અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશદ્વારની બહારનો છે અને પ્રતિબંધિત વિસ્તારમાંનો નથી.@nkk_123 @choga_don pic.twitter.com/jTPZDb3Xc9
— DCFSasan-Gir (@dcfsasangir) May 10, 2026
વન વિભાગ અને DCF દ્વારા સ્પષ્ટતા
આ વિવાદે જોર પકડતા ગીર નેશનલ પાર્ક પ્રશાસન અને વન વિભાગના સાસણ રેન્જના DCF અગ્નિ વ્યાસે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, રકુલ પ્રીત સિંહે તેની જંગલ સફારી દરમિયાન કોઈ પણ નિયમનો ભંગ કર્યો નથી. જે વીડિયો વાયરલ થયો છે તે સાસણ અભયારણ્યના એન્ટ્રી પોઈન્ટ બહારનો છે, કોઈ પ્રતિબંધિત કે સંરક્ષિત વન વિસ્તારની અંદરનો નથી.
આ પણ વાંચો: સેલિના જેટલીએ પતિ પીટર હાગ સામે ઘરેલું હિંસાની FIR કરી, મુંબઈ પોલીસે લુક આઉટ સર્કુલર જારી કર્યો
સ્વાસ્થ્ય સમસ્યાના કારણે સફારી રદ્દ કરી
અધિકારીઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રકુલ પ્રીત સિંહ તેની આગામી ફિલ્મ 'પતિ પત્ની ઔર વો દો'ની ટીમ સાથે સેન્ચુરી વિઝિટ માટે આવી હતી. પરંતુ, અભયારણ્યમાં પ્રવેશ કરતા પહેલા જ તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થતા તેની ટીમ સેન્ચુરી પરિસરમાં ગયા વિના જ ત્યાંથી પાછી ફરી ગઈ હતી.
વન વિભાગની આ સત્તાવાર સ્પષ્ટતા બાદ એ વાત સાફ થઈ ગઈ છે કે અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ગીર નેશનલ પાર્કમાં કોઈ પણ પ્રકારના નીતિ નિયમો કે કાયદાનો ભંગ કર્યો નથી. બીજી તરફ, ફેન્સ રકુલની આગામી મૂવી 'પતિ પત્ની ઔર વો દો'ને લઈને સુપર એક્સાઇટેડ છે, જે બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરશે તે જોવું રસપ્રદ રહેશે.
