FIR against Celina Jaitley's husband Peter Haag: બોલિવૂડની જાણીતી અભિનેત્રી સેલિના જેટલી હાલમાં તેના અંગત જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. 44 વર્ષીય અભિનેત્રીએ તેના પતિ પીટર હાગ સામે મુંબઈ પોલીસમાં ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે. આ મામલાની ગંભીરતાને જોતા પોલીસે પીટર હાગ વિરુદ્ધ લુક આઉટ સર્કુલર (LOC) જારી કર્યો છે, જેથી તે દેશ છોડીને ભાગી ન શકે.
ક્રૂરતા અને માનસિક ત્રાસના ગંભીર આરોપો
આ પણ વાંચો
સેલિના જેટલીએ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી FIRમાં તેના પતિ પર શારીરિક હુમલો, ક્રૂરતા, ગુનાહિત ધમકી અને સતત માનસિક ઉત્પીડનના આરોપો લગાવ્યા છે. આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. સેલિનાનો દાવો છે કે લગ્નના 14 વર્ષ પછી તેની જિંદગીમાં આ ભયાનક વળાંક આવ્યો છે અને તે લાંબા સમયથી પીટરના ત્રાસનો સામનો કરી રહી હતી.
બાળકોથી દૂર રાખવાનો અને સંપત્તિ હડપવાનો આક્ષેપ
અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે પીટર હાગે યોજનાબદ્ધ રીતે તેની કારકિર્દીની તકોને મર્યાદિત કરી હતી અને તેને કામ કરતા રોકી હતી. સૌથી ચોંકાવનારો આરોપ એ છે કે જ્યારે સેલિનાએ તેના નવજાત બાળક અને માતા-પિતાને ગુમાવ્યા હતા અને તે ભાવનાત્મક રીતે નબળી હતી, ત્યારે પીટરે દબાણ લાવીને મુંબઈના ઘરની માલિકી પોતાના નામે કરાવી લીધી હતી. હાલમાં સેલિનાના 3 બાળકો (વિન્સ્ટન, વિરાજ અને આર્થર) ઓસ્ટ્રિયામાં પીટર સાથે છે. સેલિનાએ જણાવ્યું કે ઓસ્ટ્રિયન કોર્ટ દ્વારા જોઈન્ટ કસ્ટડીનો આદેશ હોવા છતાં તેને તેના બાળકોને મળવા કે વાત કરવા દેવામાં આવતી નથી.
100 કરોડનું વળતર અને ભરણપોષણની માંગ
સેલિનાએ આ કાયદાકીય લડાઈમાં પીટર હાગ પાસે 50 થી 100 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. આ ઉપરાંત, તેણે પોતાના અને બાળકોના ગુજરાન માટે દર મહિને 10 લાખ રૂપિયાના ભરણપોષણની પણ માંગણી કરી છે. વર્ષ 2011માં લગ્ન કરનાર આ કપલના છૂટાછેડાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને સેલિના તેના બાળકોની કસ્ટડી મેળવવા માટે કાયદાકીય લડત લડી રહી છે.
પોલીસની કાર્યવાહી
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, પીટર હાગ તપાસમાં સહકાર આપી રહ્યો ન હોવાથી તેની સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે. પોલીસ હવે દરેક પાસાથી તપાસ કરી રહી છે અને જરૂરી પુરાવા એકત્ર કરી રહી છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફિલ્મ ઉદ્યોગમાં પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
