Gir Somnath: ગીર તેમજ બૃહદ ગીર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે.
પરિમલ નથવાણીએ સિંહોના મૃત્યુ અટકાવવા, રોગગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે તેમણે કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી અર્જુન મોઢવાડિયાનેપત્ર લખીને વિનંતી કરી છે.
સિંહોના મૃત્યુ ચિંતાજનક
પોતાના પત્રમાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સિંહોના અકાળે મૃત્યુને ચિંતાજનક જણાવતા લખ્યું છે કે, આ બાબતે ગીર નેશનલ પાર્ક મેનેજમેન્ટ તેમજ વન વિભાગ પુરી સતર્કતા અને કાળજી રાખતું હશે . સિંહોના મૃત્યુને અટકાવવા રોગચાળાગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર પુરી પાડવા તેમજ રોગને ફેલાતો અટકાવવામાં પણ દિવસ-રાત કાર્યરત હશે તેનો મને વિશ્વાસ છે.
ગીર તેમજ બૃહદ ગીરમાં એશિયાઈ સિંહોની વધતી વસ્તી સાથે તેમના આરોગ્ય સબંધિત જોખમો પણ વધી રહ્યા છે. ખાસ કરીને CDV અને બેબીસીયા જેવા રોગો સિંહોની વસ્તી માટે ગંભીર પડકારરૂપ બની શકે છે. આથી આવા રોગોના વહેલા નિદાન, ઝડપી પ્રતિસાદ અને અસરકારક નિયંત્રણ માટે ફિલ્ડ સ્તરે સુવ્યવસ્થિત અવલોકન અને રિપોર્ટિંગ વ્યવસ્થાને વધારે અસરકારક બનાવવવી અત્યંત આવશ્યક છે.
આ માટે તેમના દ્વારા ટ્રેકર્સ, બીટ ગાર્ડ, રાઉન્ડ સ્ટાફ તથા વેટરનરી ટીમ માટે 'Field Observation Protocol' અમલમાં મૂકવા વિનંતી કરવામાં આવી છે. ફિલ્ડ સ્ટાફ દ્વારા સિંહોમાં દેખાતા અસામાન્ય વર્તન, શારીરિક નબળાઈ, શ્વસન તકલીફ, ટિક્સનો ભારે ઉપદ્રવ, અસ્થિર ચાલ, દિશાભ્રમ, વગેરેનું નિયમિત અવલોકન કરવા અંગે પણ મંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
વધુમાં પરિમલ નથવાણીએ જણાવ્યું કે, એક જ વિસ્તારમાં એકથી વધુ સિંહોમાં સમાન લક્ષણો જણાય તો તેને 'High Alert' તરીકે ગણવામાં આવે અને તરત જ ઉચ્ચ અધિકારીઓ તથા વેટરનરી રેપિડ રિસ્પોન્સ ટીમને જાણ કરવામાં આવે.
દરેક શંકાસ્પદ કેસમાં તારીખ, સમય, સ્થળ, GPS લોકેશન, સિંહોની સંખ્યા, ઉંમર, વર્તન તથા ફોટોગ્રાફિક રેકોર્ડ રાખવામાં આવે તેમજ મૃત અથવા ગંભીર રીતે બીમાર પ્રાણીઓના કિસ્સામાં બિનઅધિકૃત હેન્ડલિંગ ટાળવું તથા નિર્ધારિત SOP મુજબ જ કાર્યવાહી કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
CDVનું સંક્રમણ કૂતરાઓ મારફતે ફેલાવાની શક્યતા રહેલી હોવાથી લાંબા ગાળાના પગલાં પર ભાર મૂકતા રાજ્યસભા સાંસદે આસપાસના ગામના કૂતરાઓનું રસીકરણ, નિયમિત આરોગ્ય મોનીટરીંગ, ઝડપી લેબ ડાયગ્નોસ્ટિક વ્યવસ્થા અને ફિલ્ડ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમ માટેના સૂચનો પણ કર્યા છે.
આ સાથે જ તેમણે જણાવ્યું છે કે, બેબીસીયા જેવી સ્થિતિમાં સિંહોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી CDV જેવા વાયરસજન્ય ચેપ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, તેથી બંને રોગોને એકબીજા સાથે સંકળાયેલા જોખમ તરીકે ધ્યાનમાં લેવા જરૂરી છે.
