Surat: કેનેડાના વર્ક પરમિટ વિઝા કરાવી આપવાનું જણાવીને સુરતના એક વ્યક્તિ સાથે રૂ. 7 લાખની છેતરપિંડી આચરનાર ગઠિયાને સાયબર ક્રાઈમ સેલની ટીમે પંજાબના મોહાલીથી ઝડપી પાડ્યો છે.
સુરતમાં એક વ્યક્તિએ આરોપીને 14 ક્લાયન્ટો માટે કેનેડાના વર્ક પરમિટ વિઝા મેળવવા માટે પંજાબના મોહાલીમાં રહેતા અમિત મહિન્દરસિંઘ સોનીનો સંપર્ક કર્યો હતો. અમિતે વિઝા પ્રોસેસિંગ, રજીસ્ટ્રેશન અને એમ્બેસી ફીના બહાને ફરિયાદી પાસેથી ટૂકડે-ટૂકડે કુલ 7 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમિત મહિન્દરસિંઘ સોનીએ સુરતના એક ફરિયાદીને કેનેડાના વર્ક પરમિટના વિઝા કરાવી આપવાનું જણાવ્યું હતું. આથી ફરીયાદીએ પોતાના 14 ક્લાયન્ટોના કેનેડાના વર્ક પરમિટના વિઝા કરાવી આપવાનું કહ્યું હતું. જેમાં આરોપીએ વિઝા પ્રોસેસિંગ, રજીસ્ટ્રેશન અને એમ્બેસી ફીના બહાને ફરિયાદી પાસેથી ટૂકડે-ટૂકડે કુલ રૂપિયા 7,01,999/- પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
નાણાં મેળવ્યા બાદ આરોપીએ ભરોસો જીતવા માટે વિનપેક (WINPAK) કંપની, ટર્નર (Turner) કંપની અને હેમ્પટન બાય હિલ્ટન (Hampton by HILTON) જેવી કંપનીઓના નકલી અને બનાવટી એપોઇન્ટમેન્ટ લેટરો બનાવીને ફરિયાદીને મોકલી આપ્યા હતા. જો કે, લાંબો સમય થવા છતાં વર્ક પરમિટ વિઝા ન કરાવી આપીને આરોપીએ ઓનલાઇન છેતરપિંડી આચરી હતી.
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ભારતીય દંડ સંહિતા (IPC) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ટેકનિકલ એનાલિસિસ અને સઘન તપાસના અંતે સાયબર ક્રાઇમની ટીમે પંજાબના મોહાલી ખાતે દરોડો પાડીને આરોપી અમિત મહિન્દર સિંઘ સોની (36)ને ઝડપી પાડ્યો હતો.
આરોપીની ગુનાહિત ભૂમિકાની તપાસ કરતા સામે આવ્યું છે કે, તે વર્ષ 2022 થી 2025 દરમિયાન મોહાલી ખાતે 'સેન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ' નામે વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ચલાવતો હતો. તેમજ આરોપીએ ગુનામાં ઉપયોગ કરેલા બેંક એકાઉન્ટ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે.
જેમાં રાજકોટ શહેર ખાતે 2 અને ગાંધીનગર ખાતે 1 મળી કુલ 3 ફરિયાદો મળી આવી છે જેમાં 3,04,998/- નું ફ્રોડ આચર્યું હોવાનું ખુલ્યું છે. હાલ સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
