Vadodara: વડોદરા મનપાની ચૂંટણીના એક મહિના બાદ કાલે શહેરને મળશે નવા મેયર સહિતના તમામ હોદ્દેદારો

ભાજપ કાર્યાલયે નામોની જાહેરાત થઈ ગયા બાદ, ઐતિહાસિક ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની મુખ્ય કચેરી ખાતે ખાસ બોર્ડ બેઠક મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 27 May 2026 05:16 PM (IST)Updated: Wed, 27 May 2026 05:16 PM (IST)
vadodara-news-a-month-after-the-vmc-elections-the-city-get-new-mayor-tomorrow
HIGHLIGHTS
  • વડોદરા પાલિકાની બેઠક પૂર્વે ભાજપ કાર્યાલયે સેન્સ પ્રક્રિયા યોજાશે

Vadodara: વડોદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થયાના એક મહિના બાદ આખરે શહેરને આવતીકાલે નવા મેયર સહિતના વિવિધ હોદ્દેદારો મળી જશે. ગત 26 એપ્રિલના રોજ યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહૂમતી મળી હતી, પરંતુ આંતરિક ખેંચતાણને પગલે હોદ્દેદારીની પસંદગી ટલ્લે ચડી ગઈ હતી.

જો કે હવે આવતીકાલે વડોદરા મનપાની ખાસ સામાન્ય સભા (બોર્ડ બેઠક) યોજાવા જઈ રહી છે, જેમાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વના હોદ્દેદારોના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવશે.

પાલિકાની બેઠક પૂર્વે ભાજપ કાર્યાલયે યોજાશે સેન્સ પ્રક્રિયા

સત્તાવાર જાહેરાત પહેલાની પ્રક્રિયાના ભાગરૂપે આવતીકાલે સવારે કારેલીબાગ સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પક્ષના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો એકત્ર થાય તેવી પ્રબળ ધારણા છે.

પ્રદેશ નેતાગીરી દ્વારા મોકલાયેલા નિરીક્ષકોની હાજરીમાં 'મેન્ડેટ' (પક્ષનો આદેશ) ખોલવામાં આવશે અને તમામ કોર્પોરેટરોને નવા નેતૃત્વના નામથી વાકેફ કરવામાં આવશે. ભાજપ કાર્યાલયે નામો નક્કી થયા બાદ તમામ કોર્પોરેટરો એકસાથે પાલિકા કચેરી તરફ રવાના થશે.

ખંડેરાવ માર્કેટ ખાતે કાયદેસરની મહોર વાગશે

ભાજપ કાર્યાલયે નામોની જાહેરાત થઈ ગયા બાદ, ઐતિહાસિક ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની મુખ્ય કચેરી ખાતે ખાસ બોર્ડ બેઠક મળશે. આ બેઠકમાં નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા હેઠળ નવા મેયર અને અન્ય હોદ્દેદારોના નામોની દરખાસ્ત મૂકીને તેના પર કાયદેસરની મહોર મારવામાં આવશે.

ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ પણ જ્ઞાતિગત સમીકરણો, સિનિયોરિટી અને પક્ષના આંતરિક સમીકરણોને સંતુલિત કરવા માટે પ્રદેશ હાઈકમાન્ડે લાંબી કસરત કરવી પડી હતી, જેના કારણે આ જાહેરાતમાં એક મહિના જેટલો વિલંબ થયો છે.