Gujarat Police LRD Recruitment 2026 Exam Date Announced: ગુજરાત પોલીસમાં ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોને આગામી 14 જૂને,2026ના રોજ લેખિત પરીક્ષા આપવાની રહેશે.
પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે, આગામી 14 જૂનના રોજ આયોજિત લેખિત પરીક્ષા માટે ઉમેદવારો પોતાની હોલ ટિકિટ અર્થાત કોલ લેટર 6 જૂનથી ડાઉનલોડ કરી શકશે.
જેના માટે ઉમેદવારોએ ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ OJAS (https://ojas.gujarat.gov.in) પર જઈને પોતાની વિગતો સબમિટ કરવાની રહેશે. આ સાથે જ ભરતી બોર્ડે ઉમેદવારોને સમયસર કોલલેટર ડાઉનલોડ કરી દેવા તેમજ તેમાં આપેલી તમામ સૂચનાઓને ધ્યાનથી વાંચી લેવામાં જણાવવામાં આવ્યું છે.
LRDની 13,591 જગ્યાઓ પર ભરતી માટે જાન્યુઆરીમાં શારીરિક કસોટી લેવાઈ હતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (LRD)ની 13,591 જગ્યાઓ પર ભરતી માટે ગત 21 જાન્યુઆરીના રોજ રાજ્યના 15 સેન્ટરો પર શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના માટે નોંધાયેલા 10 લાખ જેટલા ઉમેદવારો શારીરિક ક્ષમતા કસોટી ( ફિઝીકલ એપીસિયન્સી ટેસ્ટ PET) અને શારીરિક માપ કસોટી (ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ PST) CCTV કેમેરાની દેખરેખ હેઠળ લેવામાં આવી હતી. PSTમાં પુરુષ ઉમેદવારોની છાતીનું માપ, ઊંચાઈ તેમજ મહિલા ઉમેદવારોની ઊંચાઈનું માપ લેવામાં આવ્યું હતુ.
જે બાદ ભરતી બોર્ડ દ્વારા 2 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલા શારીરિક કસોટીનું પરિણામ તૈયાર કરવામાં ખાસ તકેદારી રાખવામાં આવી હતી. જેમાં દોડની કસોટી માટે RFID લેપ ડેટા (Lap Data) અને CCTV કેમેરાના રેકોર્ડિંગની ઉંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, શારીરિક માપ કસોટી (PST) માં ઊંચાઈના ડેટા અને ફોટોગ્રાફ્સની પણ ખરાઈ કર્યા બાદ જ આખરી પરિણામ જાહેર કરાયું હતુ.
