Gir Somnath: "જો ભૂલ ખાધી, તો ઘરના દરવાજા તમારા માટે બંધ સમજો", MLA ભગવાન બારડની આહિર સમાજને ખુલ્લી ચેતવણી

ગોરખમઢી ખાતે ભાજપ દ્વારા એક ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 23 Apr 2026 02:04 PM (IST)Updated: Thu, 23 Apr 2026 03:55 PM (IST)
mla-bhagwan-barad-open-warning-to-ahir-community-in-gir-somnath
HIGHLIGHTS
  • ગીર સોમનાથમાં ભાજપની ચૂંટણી સભા યોજાઈ
  • ભગવાન બારડે આપી આહિર સમાજને ચેતવણી

MLA Bhagwan Barad: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની સભામાં એક મોટો વિવાદ સર્જાયો છે. ધારાસભ્ય ભગવાન બારડે સભાને સંબોધતી વખતે એક એવું નિવેદન આપ્યું છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં અને પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ગોરખમઢીમાં ભાજપની ચૂંટણી સભા

પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે સાંજે ગોરખમઢી ખાતે ભાજપ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં દિવ્યેશ સોલંકી અને રાજેશ ચુડાસમા સહિતના અનેક સ્થાનિક નેતાઓએ મંચ પરથી જનમેદનીને સંબોધિત કરી સભા ગજવી હતી. જોકે, આ સભા ત્યારે ચર્ચાનો વિષય બની જ્યારે ધારાસભ્ય ભગવાન બારડે પોતાનું વક્તવ્ય આપવાનું શરૂ કર્યું.

MLA ભગવાન બારડના આકરા શબ્દો

ધારાસભ્ય ભગવાન બારડે મંચ પરથી પોતાના સમાજને ઉદ્દેશીને અત્યંત આકરા શબ્દોમાં નિવેદન આપતા જાહેરમાં કહ્યું હતું કે, "આહિર સમાજને મંચ પરથી જાહેરમાં કહું છું, જો ભૂલ ખાધી તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ સમજો". ચૂંટણીના માહોલ વચ્ચે ભગવાન બારડના આ સીધા નિવેદનને કારણે અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

રાજકીય વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા

અન્ય નેતાઓના ભાષણોથી ગૂંજી ઉઠેલી આ સભા હવે ભગવાન બારડની આ ખુલ્લી ચેતવણીના કારણે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. લોકોમાં અને રાજકીય વર્તુળોમાં આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આગામી સમયમાં આહિર સમાજ અને સ્થાનિક રાજકારણ પર આ નિવેદનની શું અસર પડશે તે જોવું મહત્ત્વપૂર્ણ બની રહેશે.