'રાજલબેન વટવાળા..!'- ઉનામાં રાજલ બારોટના સમર્થનમાં જીગ્નેશ કવિરાજે લલકાર્યા સૂર, ભાજપ ઉમેદવારોને જીતાડવા અપીલ; જુઓ VIDEO

જિગ્નેશ કવિરાજે પોતાના પ્રચારમાં ભાજપના વિકાસ કાર્યોની વાત કરીને પાર્ટીના ઉમેદવારોને મત આપવા માટે હાકલ કરી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 22 Apr 2026 11:26 PM (IST)Updated: Wed, 22 Apr 2026 11:26 PM (IST)
jignesh-kaviraj-campaigns-for-bjp-candidate-rajal-barot-in-una-elections
HIGHLIGHTS
  • જિગ્નેશ કવિરાજ ભાજપનો ખેસ પહેરીને પ્રચાર કરવા પહોંચ્યા
  • મારા મોટાભાઈ જિગ્નેશ કવિરાજે ભાજપ ઉમેદવારોની મુલાકાત લીધીઃ રાજલ બારોટ

Una Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં જાણીતા ગુજરાતી લોકગાયક જીગ્નેશ કવિરાજ ઉનામાં કેસરિયો ખેસ પહેરીને ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરતાં જોવા મળ્યા હતા.

હકીકતમાં ભાજપ દ્વારા ઉના નગરપાલિકાના વોર્ડ નંબર-7માં જાણીતી ગુજરાતી ગાયિકા રાજલ બારોટને ટિકિટ આપવામાં આવી છે. આથી જિગ્નેશ કવિરાજ રાજલ બારોટના સમર્થનમાં ચૂંટણી પ્રચાર માટે ઉના પહોંચ્યા હતા.

ઉનામાં ચૂંટણી પ્રચાર વખતે જિગ્નેશ કવિરાજે ભાજપનો ખેસ પહેર્યો હતો. આ સાથે જ તેમણે રાજલ બારોટ સહિત ભાજપના ઉમેદવારોને મત આપીને વિજયી બનાવવા માટે નગરજનોને અપીલ કરી હતી. પોતાના પ્રચારમાં જિગ્નેશ કવિરાજે ભાજપના વિકાસ કાર્યો અને ભાજપની સિદ્ધિની વાતો કરી હતી. આ સાથે જ તેમણે પોતના આગવા અંદાજમાં રાજલ બારોટ વિશે ગીત પણ ગાયું હતુ.

રાજલ બારોટે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મારા મોટાભાઈ જિગ્નેશ કવિરાજે ઉના સ્થિત મારા ઘરે આવીને પરિવાર તેમજ ભાજપના ઉમેદવારોની મુલાકાત લીધી. આ તકે જિગ્નેશ કવિરાજ મીડિયા સમક્ષ એક ગીત લલકારે છે, જેના શબ્દો છે 'મારી ગુજરાતની સરકાર રે, રાજલબેન વટવાળા, મારી ઉનાની સરકાર રે રાજલબેન વટવાળા'

જણાવી દઈએ કે, ભાજપ ઉમેદવાર રાજલ બારોટ દિવંગત ગુજરાતી ગાયક મણીરાજ બારોટના પુત્રી છે અને ઉનાના પુત્રવધુ છે. તેમના પતિ અલ્પેશ બાંભણિયા ઉના નગરપાલિકાના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે. હાલ રાજલ બારોટ મત માટે ડૉર ટૂ ડૉર પ્રચાર કરી રહ્યા છે.

પોતાને ટિકિટ મળતા રાજલ બારોટે ભાજપ મોવડી મંડળ અને સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનો આભાર માન્યો હતો. આ સાથે જ જણાવ્યું હતું કે, પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, ત્યારે તેમના વિશ્વાસ ઉપર ખરી ઉતરીશ.