Saurashtra Heavy Rain: આજે દિવસભર વાદળછાયા વાતાવરણ અને બફારા વચ્ચે બપોર બાદ સૌરાષ્ટ્રના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.
બપોર બાદ અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. જે બાદ જોત-જોતામાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે અસહ્ય ઉકળાટ અને બફારાથી રાહત મળી છે, પરંતુ એકાએક તૂટી પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
આ પણ વાંચો
2 કલાકમાં 3 ઈંચ વરસાદથી ઉના જળબંબાકાર
આજે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો રહ્યો છે. ઉનામાં બપોરે 2 થી 4 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં જ ભારે પવન સાથે 3 ઈંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર પાણીના પ્રવાહના કારણે ઉનાની મુખ્ય બજારો જાણે નદીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
પાણીના ભારે પ્રવાહને કારણે બજારમાં દુકાનો બહાર મૂકેલો સામાન અને કેટલીક ચીજવસ્તુઓ તણાતી જોવા મળી હતી. અચાનક આવેલા આ મેઘસવારીના કારણે વેપારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.
ઉના ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે જૂનાગઢના માળિયા હાટીના વિસ્તારમાં બે ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી વહેતા થયા હતા.
આ ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને ભાવનગર પંથક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામી હતી.
ગુજરાતના 28 તાલુકામાં મેઘમહેરઃ 5 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
આજે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ઉના અને રાજુલાને બાદ કરતાં નવસારીના ખેરગામમાં 57 મી.મી (2.2 ઈંચ), વલસાડના ધરમપુરમાં 30 મી.મી (1.18 ઈંચ), વલસાડના નાનાપોંઢામાં 99 મી.મી (1 ઈંચ) વરસાદ પડ્યો છે.
