બે સંતાનો ગુમાવનાર માતા માટે 108ની ટીમ 'દેવદૂત' બનીઃ રણાસણ ટૉલ પ્લાઝા પાસે રિક્ષામાં સફળ ડિલિવરી કરાવી નવજાત અને માતાનો જીવ બચાવ્યો

ફૂટપાથ પર રહેતા પરિવારના આંગણે ત્રીજા પ્રયાસે ખુશીનો સૂરજ ઊગ્યોઃ કટોકટી વચ્ચે 108 ટીમે રિક્ષામાં કરાવી સુરક્ષિત પ્રસુતિ. સમયસૂચકતા અને સંવેદનાઓનાં સમન્વય સાથે જિંદગી અને મોત વચ્ચે ઝૂલતી પ્રસુતાને 108 સ્ટાફે નવજીવન આપ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 22 Sep 2026 04:30 PM (IST)Updated: Tue, 22 Sep 2026 04:30 PM (IST)
108-emergency-service-turns-savior-successful-delivery-conducted-in-auto-rickshaw-near-ranasan-toll

Gujarat 108 Emergency Service: અમદાવાદના નાના ચિલોડા સ્થિત રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાના કર્મીઓએ સમયસૂચકતા અને કર્તવ્યનિષ્ઠાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી એક અત્યંત નાજુક કટોકટીમાં માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો છે.

વહેલી સવારે 108ને કટોકટીનો કોલ મળતાં જ મૂઠિયાં લોકેશન પર કાર્યરત 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક રવાના થઈ હતી. રસ્તામાં જ પરિસ્થિતિ વધુ ગંભીર હોવાનો સંદેશો મળતાં પાયલોટ વિકાસભાઈએ સાયરનની ગૂંજ સાથે પળવારનો પણ વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે પહોંચાડી દીધી હતી.

એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતાં જ સ્થિતિ અત્યંત ગંભીર જણાઈ હતી. પ્રસુતા એક રિક્ષામાં પીડાથી કણસી રહ્યા હતા અને શિશુનું માથું બહાર આવી ગયું હતું. હોસ્પિટલ પહોંચવાનો સમય ન હોવાથી અને બાળકના જીવ પર જોખમ તોળાતું હોવાથી EMT સરિતાબહેને વિલંબ કર્યા વિના રિક્ષામાં જ કટોકટીની ડિલિવરી કરાવવાનો ત્વરિત નિર્ણય લીધો.

સરિતાબહેને પૂર્ણ કુશળતાપૂર્વક નવજાત બાળકની સુરક્ષિત પ્રસુતિ કરાવી અને ત્યારબાદ માતાની પ્લેસેન્ટા (ઓર) દૂર કરવાની જટિલ તબીબી પ્રક્રિયા પણ રિક્ષામાં જ સફળતાપૂર્વક પાર પાડી.

પ્રાથમિક સારવાર બાદ બંનેને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી ERCP ડૉ. મહેતાના ઓન-લાઇન માર્ગદર્શન હેઠળ વધુ સારવાર આપી નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટના માત્ર એક સફળ પ્રસુતિ નહોતી, પરંતુ એક અતિ ગરીબ પરિવાર માટે આશાનું નવું કિરણ સાબિત થઈ હતી. મૂઠિયાં ટોલ પ્લાઝા નીચે ફૂટપાથ પર જીવન વિતાવતા 22 વર્ષીય સુનિતાબહેન મનીષભાઈ ધિરાણીએ અગાઉ પોતાની બે પ્રસુતિઓમાં બંને બાળકો ગુમાવી દીધા હતા. ભૂતકાળના વસવસા અને દુઃખ વચ્ચે ત્રીજી પ્રસુતિમાં સ્વસ્થ પુત્રનો હેમખેમ જન્મ થતાં માતા અને પરિવારની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયા હતા.

યોગ્ય સમયે પહોંચીને કુશળ સારવાર આપી સંતાનની ભેટ આપનાર EMT સરિતાબહેન અને પાયલોટ વિકાસભાઈ પ્રત્યે પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.