AUDA Development Plan 2041: અમદાવાદ-ગાંધીનગર કનેક્ટિવિટી વધારવા હાઈસ્પીડ કોરિડોર અને નવા બ્રિજનું નિર્માણ

AUDA ના ડેવલપમેન્ટ પ્લાન 2041 હેઠળ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાફિક ઘટાડવા હાઈસ્પીડ કોરિડોર, સાબરમતી નદી પર નવા બ્રિજ અને રિવરફ્રન્ટ ફેઝ-2 થી ગિફ્ટ સિટીને જોડતા નવા માર્ગનું નિર્માણ થશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 14 Nov 2026 08:02 AM (IST)Updated: Sat, 14 Nov 2026 08:02 AM (IST)
auda-development-plan-2041-ahmedabad-gandhinagar-high-speed-corridor-new-bridge

AUDA Development: અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લાખો નાગરિકો માટે એક મોટા રાહતરુપ સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિકની જટિલ અને ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે AUDAના ડેવલપમેન્ટ પ્લાન 2041માં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં બંને શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધુ મજબૂત બને તેના પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ મેગા પ્રોજેક્ટ હેઠળ હાઈસ્પીડ કોરિડોર અને ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવશે. જે ભવિષ્યમાં ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટાડશે.

ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ઔડાનું આયોજન

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દિન પ્રતિદિન વધતી ટ્રાફિક સમસ્યા, સાંકડા બની ગયેલા રસ્તાઓ, અને જાહેર પરિવહન સેવાઓ જેવી કે, મેટ્રો, બીઆરટીએસ અને એએમટીએસ વચ્ચે સંકલનના અભાવને લીધે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત પાર્કિંગની અછત અને નવા વિકસી રહેલા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના અભાવે સર્જાતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ઔડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાન 2041માં આયોજન કરવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી વધારવા કરાશે સ્માર્ટ પ્લાનિંગ

બંને શહેરો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પુરી પાડવા માટે કન્સલ્ટન્ટ દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવશે, જેમાં બંને શહેરો વચ્ચે દૈનિક આવનજાવન કરતા મુસાફરો અને વાહનોની સંખ્યા, પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ, ભવિષ્યની વસ્તી વૃદ્ધિ પ્રમાણે, ઝીણવટભર્યુ મૂલ્યાંકન કરાશે. ઉપરાંત, મેટ્રો રેલ, બીઆરટીએસ અન એએમટીએસ જેવી જાહેર પરિવહન સેવાઓને એકબીજા સાથે સુવ્યવસ્થિત રીતે જોડવામાં આવશે અને ફર્સ્ટ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી સુધારવા એક મજબૂત માળખું નિર્મિત કરાશે,

ગિફ્ટ સિટી અને રિવરફ્રન્ટ ફેઝ-2 ને જોડતો નવો માર્ગ

અમદાવાદના રિવરફ્રન્ટ ફેઝ 2ને સીધું ગાંધીનગરના ગિફ્ટ સિટી સાથે જોડવા માટે વ્યાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. જેમાં શાહીબાગથી ઈન્દિરા બ્રિજ સુધીના બંને કાંઠાના રસ્તામાં કોબા અને ગિફ્ટ સિટી સાથે જોડવા વિશાળ કોરિડોર બનાવાશે, મુસાફરી સરળ બનાવવા માટે મેટ્રો રેલ, બીઆરટીએસ અને નવી ઈલેક્ટ્રિક ફીડર બસોનું સફળ એકીકરણ કરાશે.

સાબરમતી નદી પર નવા બ્રિજનું નિર્માણ

શહેરના અતિ વ્યસ્ત ગણાતા એસજી હાઈવે અને આશ્રમ રોડ પર રોજિંદી ટ્રાફિકની સમસ્યાના ત્વરિત અને ઝડપી નિવારણ હેતુથી સાબરમતી નદી પર નવા બ્રિજ બનાવાશે. તેમજ ટીપી રસ્તાઓને ગિફ્ટ સિટીના મુખ્ય એપ્રોચ રોડ સાથે સીધા જોડવામાં આવશે. તેની સાથે સાથે શહેરના હજારો નાગરિકો રિવરફ્રન્ટ પર આવજા કરતાં હોય છે. તેમની સુવિધા માટે ઈ બાઈક, સાયકલ ટ્રેક અને સ્માર્ટ પાર્કિંગ ઝોન ઉભા કરાશે.