Saurashtra Power Outage: સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદે જનજીવન પર વ્યાપક અસર કરી છે. સતત પડી રહેલા વરસાદના કારણે વીજતંત્રને ભારે ફટકો પડ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના પોલ અને ટ્રાન્સફોર્મર ધરાશાયી થવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.
765 વીજ પોલ અને 38 ટ્રાન્સફોર્મરને નુકસાન
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના અહેવાલમાં સામે આવ્યું છે કે, કુલ 765 વીજ પોલ અને 38 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે. સૌથી વધુ અસરગ્રસ્ત પોરબંદર વિસ્તારમાં સૌથી વધુ 365 વીજ પોલ અને 18 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. અમરેલીમાં 222 વીજ પોલ અને 8 ટ્રાન્સફોર્મરને અસર થઈ છે.જૂનાગઢમાં 98 વીજ પોલ અને 8 ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા છે.
યુદ્ધના ધોરણે કામકાજ હાથ ધરાયું
સમગ્ર સૌરાષ્ટ્રમાં આવી ઘટના સર્જાતાં ઘણા વિસ્તારોમાં લોકોએ અંધકારમાં રહેવાની સ્થિતિ ઉભી થઈ હતી. અન્ય વિસ્તારોમાં પણ વીજતંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સ્થિતિ સામાન્ય કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. PGVCL ના આંકડા મુજબ, હાલમાં કુલ 323 જેટલી કૃષિ ફીડરની ફરિયાદો પણ પેન્ડિંગ છે.
