કોળી સમાજના સંમેલન બાદ રાજકીય ગરમાવોઃ દેવજી ફતેપરાનું નિવેદન-બાવળિયા 2027માં મંત્રી બનશે, પ્રવીણ માળીએ કહ્યું- કુંવરજીનો નિવૃત્તિ લેવાનો સમય

અમરાપુરમાં યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમના અંતે પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ દાવો કર્યો હતો કે આગામી 2027ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા ફરીથી ચૂંટણી લડશે અને જંગી લીડથી જીત મેળવીને મંત્રી બનશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 13 Nov 2026 01:49 PM (IST)Updated: Fri, 13 Nov 2026 01:49 PM (IST)
koli-community-gathering-in-rajkot-ahead-of-gujarat-2027-elections-devji-fatepara-and-pravin-koli-statements-sparks-political-debate

Rajkot News: રાજકોટના અમરાપુરમાં કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને મળેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપુરા દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું હતું. જેનો કોળી સમાજ દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમને સમાજના આગેવાન પ્રવીણ કોળી દ્વારા એક રાજકીય સંમેલન ગણાવવામાં આવ્યું અને કુંવરજી બાવળિયાએ નિવૃત્તિ લઇ લેવી જોઇએ તેમ કહ્યું હતું. આ ઉપરાંત તેમણે મંત્રી પરસોત્તમ સોલંકીનો પુત્ર તળાજાથી લડશે અને મંત્રી બનશે તેમ પણ જણાવ્યું હતું. જેને લઇને વિધાનસભા ચૂંટણી 2027 પૂર્વે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

2027માં બાવળિયા જંગી લીડથી જીતીને મંત્રી બનશેઃ દેવજી ફતેપરા

અમરાપુરમાં યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમના અંતે પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ દાવો કર્યો હતો કે આગામી 2027ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા ફરીથી ચૂંટણી લડશે અને જંગી લીડથી જીત મેળવીને મંત્રી બનશે. તેમણે પોતાના વધુમાં ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ચૂંટણી આવે એટલે એક-એક વિધાનસભા બેઠક પરથી 40-40 ફોર્મ ભરાય છે. જે પોતે નથી ભરતો એ બીજાને ફોર્મ ભરવાનું કહે છે. પરંતુ જે વ્યક્તિ લાયક હોય તેને જ ઉમેદવારી કરવી જોઈએ. સરપંચની લાયકાત ધરાવનારે સરપંચ બનવું જોઈએ, તાલુકા પંચાયત માટે યોગ્ય હોય તેણે ત્યાં લડવું જોઈએ અને જે વિધાનસભા લાયક હોય તેણે જ વિધાનસભા ચૂંટણી લડવી જોઈએ. આ ઉપરાંત, નામ લીધા વગર વિરોધ કરી રહેલા યુવાનો પર પ્રહાર કરતાં તેમણે ઉમેર્યું હતું કે યુવાનોને કહેવું જોઈએ કે આપણા વડીલોએ સમાજ માટે શું કામ કર્યા છે.

naidunia_image

આ સમાજનું નહીં પરંતુ રાજકીય સંમેલન હતુંઃ પ્રવીણ કોળી

દેવજી ફતેપરા દ્વારા કરવામાં આવેલા નિવેદન સામે કોળી સમાજના આગેવાનોમાં જ ભારે આક્રોશ જોવા મળ્યો છે. સમાજના આગેવાન પ્રવીણ કોળીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં પણ સમાજનું સંમેલન મળ્યું હતું અને ઘણી ચર્ચાઓ થઈ હતી. અમરાપુરમાં યોજાયેલું સ્નેહમિલન એ સમાજનું નહીં પરંતુ માત્ર રાજકીય સંમેલન હતું. કુંવરજી બાવળિયાએ માત્ર પોતાના મનમેળ વાળા નેતાઓને જ આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા. કુંવરજીભાઈ સમાજના નામે ચૂંટણીઓ લડે છે અને સમાજ સાથે જ રાજકારણ રમી રહ્યા છે, તેમણે સમાજ માટે કોઈ નક્કર કામ કર્યા નથી. ગાંધીનગરમાં કોળી સમાજનું વિદ્યાર્થી ભવન બનાવવાનો વાયદો તેમણે 7 વર્ષ પહેલાં કર્યો હતો, જે હજુ સુધી પૂરો થયો નથી. હવે તેમના માટે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે અને તેમણે નિવૃત્ત થઈ જવું જોઈએ.

naidunia_image

તળાજા બેઠક પરથી દિવ્યેશ સોલંકીની ટિકિટ ફાઈનલ હોવાનો દાવો

પ્રવીણ કોળીએ ભાજપની વર્તમાન વ્યૂહરચનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ભાજપ હવે 'જેન-ઝી' (Gen-Z) એટલે કે નવી પેઢીના યુવા નેતાઓને ટિકિટ આપી રહી છે. ગાંધીનગરમાં મેયર પણ જેન-ઝી છે અને તેઓ ઠાકોર સમાજમાંથી આવે છે. આવી જ રીતે પક્ષ દરેક સમાજના યોગ્ય યુવા ઉમેદવારોને આગળ લાવશે. તેમણે વિવિધ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કરતાં કહ્યું હતું કે મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની તળાજા બેઠક પરથી ટિકિટ ફાઈનલ જ છે અને તેઓ ચૂંટણી જીતીને મંત્રી બનશે તે વાત પણ નિશ્ચિત છે.

સમાજ માટે પાર્ટી છોડવી પડશે તો પણ છોડી દઈશઃ ઋત્વિક મકવાણા

આ કાર્યક્રમમાં હાજર રહેલા ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું કે, સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને હિત માટે જો કોઈ વસ્તુનો ત્યાગ કરવો પડે તો અચકાવું ન જોઈએ. જો સમાજના કામ માટે પાર્ટી છોડવાની નોબત આવે તો પાર્ટી પણ છોડી દેવી જોઈએ અને આ શરૂઆત મારે પોતે કરવી પડશે તો પણ હું તૈયાર છું. આગામી દિવસોમાં યોજનારી ચૂંટણીઓમાં કોળી સમાજની વસ્તીના પ્રમાણમાં જ તમામ રાજકીય પક્ષો પાસે ટિકિટની માંગણી કરવામાં આવશે.