Gir Somnath: ચાલુ બાઈક પર 11 KV નો વીજ વાયર પડ્યો, ઘાટવડના બે યુવકોનું કમકમાટીભર્યું મોત

આ બનાવમાં બે યુવકોનું મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 08 Mar 2026 09:38 AM (IST)Updated: Sun, 08 Mar 2026 09:38 AM (IST)
gir-somnath-two-boys-died-after-11-kv-power-wire-fell-on-bike-in-kodinar
HIGHLIGHTS
  • કોડીનારના ઘાટવડમાં બન્યો ગોઝારો અકસ્માત
  • બાઈક પર 11 KV નો વાયર પડતા લાગ્યો કરંટ
  • બનાવમાં 2 યુવકોના મોત થયા, એક ઈજાગ્રસ્ત

Kodinar Ghatvad accident: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં વીજ વિભાગની ગંભીર બેદરકારીનો ભોગ બે નિર્દોષ યુવાન બન્યા હોવાની અત્યંત કરુણ ઘટના સામે આવી છે. કોડીનારના ઘાટવડ ગામ નજીક ચાલુ બાઈક પર 11 KV નો જીવતો વીજ વાયર તૂટી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે.

બાઈક પર 11 KV નો વાયર પડ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, આ હૃદયદ્રાવક ઘટના વહેલી સવારે બની હતી. ઘાટવડ ગામના રહેવાસી દાનસિંગભાઈ ઝાલા તેમના પુત્ર મહિપતસિંહ ઝાલા અને પુત્રના મિત્ર રવિભાઈ ચુડાસમા સાથે એક જ બાઈક પર બેસીને પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અચાનક ઉપરથી પસાર થતો 11 KV નો હેવી વોલ્ટેજ વીજ વાયર સીધો તેમની બાઈક પર જ તૂટી પડ્યો હતો.

ત્રણ બાઈકસવારને લાગ્યો જોરદાર કરંટ

બાઈક પર 11 KV નો હેવી વોલ્ટેજ વીજ વાયર પડતાની સાથે જ બાઈક પર સવાર ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. હાઈ વોલ્ટેજ કરંટ લાગવાથી અને દાઝી જવાના કારણે મહિપતસિંહ અને તેના મિત્ર રવિભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે દાનસિંગભાઈ ઝાલાને પણ ઈજાઓ પહોંચી હતી.

બે યુવાનોના મોત, પિતા ઈજાગ્રસ્ત

પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ બંને યુવાનોના હોસ્પિટલમાં કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનામાં બાઈક ચલાવી રહેલા પિતા દાનસિંગભાઈ ઝાલા પણ ઈજાગ્રસ્ત બન્યા છે અને તેમની નજર સામે જ તેમના જુવાનજોધ દીકરાએ તડપીને જીવ છોડ્યો હતો. ઘટના બાદ લોકોમાં વીજ તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લોકોમાં PGVCL સામે ભારે રોષ

આ ઘટનાને પગલે ઘાટવડ ગામ અને સમગ્ર કોડીનાર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, આ બે અમૂલ્ય જિંદગી PGVCL ની ઘોર બેદરકારીનું પરિણામ છે. વીજ કંપની દ્વારા વાયરોની યોગ્ય જાળવણી અને સમારકામ ન કરવામાં આવતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.