Adulterated Mango Juice Seized in Gir Somnath: સૂર્યનો તેજ આકરો બનતા અને ઉનાળાની ઋતુ દરમિયાન મોટાભાગના ઘરોમાં કેરીનો રસ ખવાતો હોય છે. લગ્ન પ્રસંગમાં પણ કેરીનો રસ મોટા પ્રમાણમાં પીરસાતો હોય છે. જોકે બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળયુક્ત કેરીનો રસ વેચીને આપણા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય છે. ત્યારે ગીર સોમનાથ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બજારમાં વેચાણ અર્થે પહોંચે અને તમારા સુધી એ ભેળસેળયુક્ત કેરીનો રસ પહોંચે તે પહેલા બે વર્ષ જૂનો 16 હજાર લીટર કેરીનો રસ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સંદર્ભે ગીર સોમનાથ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું છેકે, ભેળસેળ યકુત બે વર્ષ જુનો અખાદ્ય કેરીનો રસ આશરે 16 હજાર લીટર જથ્થાનું વેચાણ થાય તે પહેલા જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર તાલુકાના હડમતીયા ગીર ગામના સિંધ વિસ્તારમાં પ્રવીણ ભંડેરીના ખેતરમાં આવેલી 'રુચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ' નામની કંપનીમાં ગીર સોમનાથની SOG અને ફૂડ સેફટી વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો.
ભેળસેળ યકુત બે વર્ષ જુનો અખાદ્ય કેરીનો રસ આશરે ૧૬૦૦૦ લીટર જથ્થાનું વેચાણ થાય તે પહેલા જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ.#girsomnathpolice#gujaratpolice@dgpgujarat@IGP_JND_Range @JEDY_IPS pic.twitter.com/rFrqIGoTrN
— SP GIR SOMNATH (@SP_GirSomnath) March 5, 2026
આ દરોડા દરમિયાન અધિકારીઓ આશ્ચર્ય ઉઠ્યા હતા, કારણ કે સ્થળ પર કેરીનો રસ બનાવવાનો પ્લાન્ટ અને તાલાલામાં આવેલા ગોડાઉનમાંથી બે વર્ષ જૂનો, ભેળસેળયુક્ત અને સંપૂર્ણપણે અખાદ્ય એવો 16000 લીટર કેરીના રસનો જથ્થો મળી આવ્યો હતો.
ગીર સોમનાથ SOGની ટીમને સ્થળ પરથી મોટી સંખ્યામાં કેરીના રસના તૈયાર ડબ્બા પણ હાથ લાગ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે લગ્નની સિઝનનો લાભ લેવા માટે બે વર્ષ જૂના અને અખાદ્ય કેરીના રસના ડબ્બાને નવા સ્ટીકર અને લેબલ લગાવીને બજારમાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા. હાલ SOG અને ફૂડ સેફટી વિભાગે આ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
