Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ અણધાર્યા વરસાદ અને વાવાઝોડા જેવા પવનને કારણે ગીરની શાન ગણાતી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેને પગલે બગીચા માલિકો અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગીરગઢડા તાલુકાના મુખ્ય મથક સહિત આસપાસના ગામો જેવા કે ભાગા, થોરડી અને બેડીયા વિસ્તારમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે પડેલા આ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.
Budh Nakshatra Gochar: બુધનું ભરણી નક્ષત્રમાં ગોચર થતાં 4 રાશિઓનો બેડો પાર, 7 મેથી બગડતી બાજી સુધરશે
ખેડૂતોના મોંઢે આવેલો કોળિયો છીનવાયો
આ વર્ષે આંબા પર કેરીનો ઉતારો સારો હોવાથી બગીચા માલિકોને મોટી કમાણીની આશા હતી. જો કે આજના ભારે પવન અને વરસાદે તૈયાર થવા આવેલી કેરીઓને ઝાપટી પાડતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ભારે પવનથી આંબા પરથી કેરીઓ ખરી પડી હતી. કમોસમી વરસાદના કારણે કેરીની ગુણવત્તા બગડવાની અને રોગચાળો વધવાની ભીતિ સેવાઈ રહી છે.
ઉના શહેરમાં પણ કુદરતી આફતની અસર જોવા મળી હતી. જેમાં શહેરના કંસારી રોડ પર આવેલા પાણીના ટાંકા પાસે ભારે પવનને કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના લીધે રસ્તો બ્લોક થઈ જતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. આ ઉપરાંત સમગ્ર શહેરમાં ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી હતી અને જનજીવન પ્રભાવિત થયું હતું.
