Gir Somnath: કોડીનાર BLO આપઘાત કેસઃ શિક્ષણ મંત્રી સાથે અડધા કલાકની બેઠક બાદ આખરે પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર

BLO અરવિંદ વાઢેરે અંતિમ પગલું ભરતા પહેલા લખેલી ચિઠ્ઠીમાં, હવે મારાથી SIRનું કામ નહીં થઈ શકે. છેલ્લા ઘણાં દિવસથી સતત થાક અને માનસિક તાણ અનુભવતા હોવાનો ઉલ્લેખ કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 21 Nov 2025 07:11 PM (IST)Updated: Fri, 21 Nov 2025 07:11 PM (IST)
gir-somnath-news-kodinar-blo-suicide-case-family-accept-deadbody-after-meeting-with-minister
HIGHLIGHTS
  • કોડિનારના શિક્ષકે SIRની કામગીરીથી કંટાળી આપઘાત કર્યો હતો
  • પરિવારને મનાવવા માટે કેબિનેટ મંત્રી કોડીનાર દોડી ગયા

Gir Somnath: કોડીનાર ખાતે બનેલા શિક્ષકની આત્મહત્યાના દુઃખદ મામલામાં આજે એક મહત્ત્વનો વળાંક આવ્યો છે. મૃતક શિક્ષકના પરિવારજનો દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરાયો હતો. જો કે આ મુદ્દે કેબિનેટ મંત્રીએ દખલગીરી કરીને પરિવાર સાથે બેઠક યોજી હતી. જેના અંતે પરિવાર અંતિમ વિધિ કરવા માટે તૈયાર થયો છે.

હકીકતમાં SIR કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવથી કંટાળી કોડીનાર તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા અરવિંદ વાઢેરે પોતાની પત્નીને ઉદ્દેશીને સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. મૃતકે અંતિમ ચિઠ્ઠીમાં સતત થાક અને માનસિક તણાવ અનુભવતા હોવાનું તેમજ કામગીરીનું દબાણ વધારે સહન ના થતું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ ઘટના સામે આવ્યા બાદ શિક્ષક સંગઠનોએ SIR કામગીરીમાં શિક્ષકો પર અસહ્ય દબાણ લાવવા બદલ વહીવટી તંત્રની ટીકા કરી હતી. જ્યારે મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.

આ બાબતની જાણ થતાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા કોડીનાર દોડી ગયા હતા. જ્યાં મંત્રી અને મૃતકના પરિવાર વચ્ચે અડધા કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકના અંતે મૃતક શિક્ષકના પરિવારજનોએ જણાવ્યું કે, મંત્રીએ અમારા દ્વારા કરવામાં આવેલી માંગણી અંગે ખાતરી આપી છે. જે બાદ અમે ડેડ બૉડી સ્વીકારીને અંતિમ વિધિ કરવા તૈયાર થયા છીએ.

જ્યારે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતના શિક્ષકો મારો પરિવાર છે, ત્યારે મારા પરિવાર પર આજે જે દુઃખ આવ્યું છે, ત્યારે આ દુઃખની ઘડીમાં હું તેમના પરિવાર પાસે આવ્યો છું. અરવિંદભાઈ એક સારા શિક્ષક હોવાની સાથે-સાથે તેમણે BLO તરીકે પણ ઉમદા કામગીરી બજાવી છે. આજે તેમના પિતાશ્રી મૂળજીભાઈ પણ નિવૃત શિક્ષક રહી ચૂક્યા છે અને તેમના સસરા પણ અહીં ઉપસ્થિત છે.

સમગ્ર વહીવટી તંત્રના તમામ અધિકારીઓ આજે કોડીનાર હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, સ્વર્ગસ્થ અરવિંદભાઈના આત્માને શાંતિ આપે. સરકાર તેમની સાથે જ છે.