Gir Somnath: તાલાલા મારામારી કેસમાં દેવાયત ખવડને આકરી શરતોને આધિન જામીન, કોર્ટે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પ્રવેશબંધી ફરમાવી

દેવાયત ખવડને દર 15 દિવસે તાલાલા પોલીસ મથકમાં હાજરી પુરાવી પડશે અને પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવો પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 18 Sep 2025 09:23 PM (IST)Updated: Thu, 18 Sep 2025 09:23 PM (IST)
gir-somnath-news-gujarati-folk-artist-devayat-khavad-get-bail-in-talala-assault-case
HIGHLIGHTS
  • હાલ ખવડ સહિત 7 આરોપીઓ જૂનાગઢ જેલમાં
  • દેવાયત ખવડને રૂ. 1 લાખ અને અન્ય આરોપીઓને 25 હજારનો બોન્ડ પર જામીન

Gir Somanth: લોકડાયરાના કલાકાર દેવાયત ખવડને આખરે જામીન મળી ગયા છે. વેરાવળ ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટે આકરી શરતોને આધિન લોકસાહિત્યકારના જામીન અંજૂર કર્યાં છે.

હકીકતમાં અમદાવાદ નજીક સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ડાયરાના પૈસાની લેતીદેતીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે જે-તે સમયે બન્ને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

ગત 11 ઓગસ્ટના રોજ ધ્રુવરાજસિંહ ચૌહાણ ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં રોકાયો હતો. બીજા દિવસે એટલે કે 12 ઓગસ્ટના રોજ ધ્રુવરાજસિંહ પોતાના બે મિત્રો સાથે કિયા કારમાં સોમનાથ તરફ જઈ રહ્યો હતો. આ સમયે દેવાયત ખવડ અને તેના સાગરિતોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કાર લઈને ધ્રુવરાજસિંહની કિયા કારનો પીછો કર્યો હતો. જ્યાં દેવાયત ખવડની કાર દ્વારા ધ્રુવરાજસિંહની કારને ટક્કર પણ મારવામાં આવી હતી. જે બાદ બન્ને કારમાંથી દેવાયત ખવડ સહિત 15 જેટલા શખ્સો લોખંડની પાઈ અને ધોકા લઈને નીચે ઉતર્યા હતા અને ધ્રુવરાજસિંહ પર તૂટી પડ્યા હતા અને તેની કારમાં પણ તોડફોડ કરી સોનાના દોરાની લૂંટ ચલાી હતી.

આ હુમલા બાદ ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહ ચૌહાણને પહેલા તાલાલા અને પછી વધુ સઘન સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે તાલાલા પોલીસે દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસને 14 ઓગસ્ટના રોજ ગુનામાં વપરાયેલી દેવાયત ખવડની કાર બિનવારસી હાલતમાં બાકુલા ધણેજ ગામની સીમમાંથી મળી આવી હતી. જે બાદ દેવાયત ખવડ સહિત 6 આરોપીઓની દૂધઈ નજીકના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

દેવાયત ખવડના અમદાવાદ-સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો
આ ગુનામાં દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓ સામેલ હતા. જેમને ગઈકાલે તાલાલા કોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં ધકેલવામાં આવ્યા હતા.

આજે વેરાવળ ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટ દ્વારા દેવાયત ખવડને રૂ. 1 લાખના બોન્ડ પર તેમજ અન્ય 6 આરોપીઓને રૂ. 25 હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જામીનની શરતો અનુસાર, દેવાયત ખવડને અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ બે જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત દેવાયત ખવડને દર 15 દિવસે તાલાલા પોલીસ મથકમાં હાજર થવું પડશે. આ સાથે જ દેવાયત ખવડને પોતાનો પાસપોર્ટ તાલાલા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો રહેશે અને પોલીસ અધિકારી જ્યારે પણ બોલાવે, ત્યારે હાજર રહેવું પડશે.