Amreli: પ્રેમસબંધમાં યુવતી પર છરી વડે ખૂની હુમલો, ઝડપાયેલા પૂર્વ પ્રેમીને દોરડાથી બાંધી ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાયું

યુવતીની સગાઈ અન્ય યુવક સાથે થતાં ઉશ્કેરાયેલો પ્રેમી મિત્ર સાથે મળવા પહોંચ્યો. જ્યાં મિત્રએ પકડી રાખી અને પ્રેમી છરી વડે તૂટી પડ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 18 Sep 2025 07:51 PM (IST)Updated: Thu, 18 Sep 2025 07:51 PM (IST)
amreli-news-attack-on-girl-by-lover-held-accused-re-construction
HIGHLIGHTS
  • પોલીસે બે આરોપીઓને ઘટના સ્થળે લાવી જાહેરમાં માફી મંગાવી
  • પીડિતાને ન્યાય અપાવવા ધારાસભ્ય-સાંસદની ખાતરી

Amreli: આજથી બે દિવસ પહેલા અમેરેલીના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં 24 વર્ષીય યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કરીને તેની હત્યાનો પ્રયાસ કરનાર બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા. જે બાદ આજે બન્ને આરોપીઓને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલીના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં રહેતી હેતલ (24) નામની યુવતીની આજથી એક મહિના પહેલા અન્ય યુવક સાથે સગાઈ થઈ ગઈ હતી. આ બાબતની જાણ થતાં પાપડવાળી શેરીમાં રહેતો તેનો કથિત પ્રેમી વિપુલ કોળી ગિન્નાયો હતો.

વિપુલ પોતાના મિત્ર સાથે યુવતીને મળવા પહોંચ્યો હતો. જ્યાં વિપુલના મિત્રએ યુવતીને પકડી રાખી હતી, જ્યારે વિપુલે પોતાની પાસે રહેલી છરી વડે હેતલનું ગળું ચીરી નાંખ્યું હતુ. આ સમયે યુવતી બચાવો..બચાવો..ની બૂમો પાડતી લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગઈ હતી. હેતલને લોહીના ખાબોચિયામાં તરફડિયા મારતી મૂકીને બન્ને આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જે બાદ 108 એમ્બ્યુલન્સમાં યુવતીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ કેસની તપાસ કરી રહેલી સિટી પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે બાદ આજે પોલીસ બન્ને આરોપીઓને દોરડાથી બાંધીને ઘટના સ્થળે લઈને આવી હતી. જ્યાં પોલીસે બન્ને આરોપીઓ પાસે જાહેરમાં હાથ જોડીના માફી પણ મંગાવી હતી. આ સાથે ઘટના કેવી રીતે બની તેનું રિકન્સ્ટ્રક્શન કરવા સાથે પંચનામું કરવામાં આવ્યું હતુ.

સાંસદ અને ધારાસભ્યએ યુવતીને ન્યાયની ખાતરી આપી

હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી યુવતીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે તેને ન્યાય અપાવવા માટે નેતાઓ મેદાનમાં આવ્યા છે. અગાઉ કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર અને એડવોકેટ સંદિપ પંડ્યા પીડિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમજ સ્થાનિક સાંસદ ભરત સુતરિયા પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જેમણે પીડિતાને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.