Vadodara: વડોદરા જિલ્લામાં ફરી એક વખત વિકૃત માનસિકતા ધરાવતા જય વ્યાસના કૃત્યને લઈને ચાણસદ ગામમાં તંગદિલી સર્જાઈ છે. જેમાં દુષ્કર્મ કેસના આરોપી જય વ્યાસનો પરિવાર ગામમાં રહેવા આવ્યો હોવાની જાણ થતાં ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોએ આરોપીના ઘરમાં તોડફોડ કરી હતી. ગ્રામજનો કોઈપણ ભોગે આરોપીના પરિવારને ગામમાં રહેવા દેવા માંગતા ના હોય, આખરે પોલીસ વાનમાં તેમને લઈ જવામાં આવ્યા હતા.
6 વર્ષ પહેલા ધર્મની બહેનની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી હતી
આ પણ વાંચો
હકીકતમાં આજથી 6 વર્ષ અગાઉ 2019માં જય વ્યાસ પાદરા તાલુકાના ચાણસદ ગામમાં રહેતો હતો. જ્યાં તેણે પોતાની ધર્મની બહેન ખુશ્બુ જાનીની હત્યા કરીને તેની લાશ તળાવમાં ફેંકી દીધી હતી. જો કે તે સમયે જય સગીર હોવાથી જુવેનાઈલ કોર્ટમાંથી છૂટી ગયો હતો.
આ ઘટના બાદ આરોપીનો પરિવાર ચાણસદ છોડીને મકરપુરામાં રહેવા જતો રહ્યો હતો. જ્યાં બે દિવસ પૂર્વે જય વ્યાસે ફરીથી પોત પ્રકાશ્યું હતુ. મકરપુરામાં પણ જય વ્યાસે સગીરાને મદદના બહાને દુકાનમાં બોલાવીને અડપલાં કર્યાં હતા. જો કે સગીરાએ હિંમતપૂર્વક સામનો કરતા તે બચી ગઈ હતી. જે બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આથી પોલીસે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી જય વ્યાસની ધરપકડ કરી હતી.
આથી જયના માતા-પિતા વડોદરાથી ચાણસદ સ્થિત પોતાના ઘરે રહેવા આવ્યા હતા. આ બાબતની જાણ થતાં ચાણસદ ગામના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોએ આરોપીના ઘરનો ઘેરાવ કરીને તોડફોડ કરીને પરિવારને ગામમાંથી હાંકી કાઢવાની તેમજ આરોપની ફાંસીની સજાની માંગ કરી હતી.
આ બાબતની જાણ થતાં પાદરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે ગ્રામજનોએ આરોપીના પરિવારને પોતાને હવાલે કરવાની માગ કરી હતી. આખરે પોલીસે મામલો થાળે પાડીને પોતાની વાનમાં બેસાડીને આરોપીના પરિવારને ગામની બહાર લઈ ગઈ હતી.
આ અંગે પાદરા પોલીસના PI વી.એ. ચારણે જણાવ્યું કે, જય વ્યાસ પહેલાથી મર્ડર કેસનો આરોપી છે અને કોર્ટમાંથી છૂટેલો છે. હાલ તેની સામે પોક્સો હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. ગ્રામજનોનો આક્રોશ સમજાય તેવો છે. જો કે અંતિમ નિર્ણય કોર્ટ દ્વારા જ લેવાશે. પોલીસએ ગ્રામજનોને કાયદાકીય રીતે ફરી અપીલ કરવાની સલાહ આપી હતી.
ગામમાં થોડા સમય માટે તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. પરંતુ પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. હાલ ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
