Surat: પોલીસને ચકમો આપવા બુટલેગરોનો નવો પેંતરો, એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

એમ્બ્યુલન્સમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સાથે રૂ. 15.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ડ્રાઈવરની ધરપકડ કરી. જ્યારે દારૂનો જથ્થો ઊરાવનાર અને મંગાવનાર વૉન્ટેડ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 18 Sep 2025 06:42 PM (IST)Updated: Thu, 18 Sep 2025 06:42 PM (IST)
surat-news-lcb-busted-liquor-smuggling-in-ambulance
HIGHLIGHTS
  • સુરત જિલ્લા LCBએ ઘલા પાટિયા પાસે વૉચ ગોઠવી એમ્બ્યુલન્સ અટકાવી
  • એમ્બ્યુલન્સમાં દારૂનો જથ્થો વડોદરા લઈ જવામાં આવતો હતો

Surat: સુરત જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાં થતી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે વિદેશી દારૂના જથ્થા સહીત 15.87 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં ચાલકની ધરપકડ કરવામાં આવી છે, જયારે બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે તપાસ કરતા એમ્બુલન્સની પાછળના ભાગે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ જનાર છે.

આ બાતમીના આધારે પોલીસે ધોરણ પારડી ગામની સીમમાં ઘલા પાટિયા પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. આ દરમ્યાન એમ્બુલન્સ આવતા તેને રોકીને તપાસ કરતા એમ્બુલન્સની પાછળના ભાગે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ ઘટનામાં પોલીસે એમ્બ્યુલન્સ ચાલક સંદીપ દિનેશ શુક્લા (36)ને ઝડપી પાડ્યો હતો. જયારે એમ્બુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર મુન્ના તેમજ મુન્નાનો સંપર્ક કરાવનાર લોબર નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 5.80 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો, 10 લાખની એમ્બ્યુલન્સ, એક મોબાઈલ ફોન અને આરોપીની અંગઝડતીમાંથી મળેલા રોકડા રૂપિયા 2 હજાર મળી કુલ 15,87,800 રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સુરતના કામરેજમાં 62 વર્ષ જૂની પાણીની ટાંકી તોડી પાડવામાં આવી

સુરતના કામરેજના વજીર ફળિયા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી આજે તોડી પાડવામાં આવી છે. આ પાણીની ટાંકી જર્જરિત હોય સુરક્ષાના કારણે આ નિણર્ય લેવામાં આવ્યો છે. આ ટાંકીનું નિર્માણ વર્ષ 1962માં કામરેજની અંદાજિત 5 હજાર વસ્તીને પીવાનું પાણી પુરું પાડવાના હેતુથી કરવામાં આવ્યું હતું. આ પાણીની ટાંકી 62 વર્ષ જૂની હતી.

આજે આ પાણીની ટાંકીને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા આ જગ્યાએ નવી આધુનિક પાણીની વ્યવસ્થા ઉભી કરવાની યોજના છે જેથી ભવિષ્યમાં ગામના લોકોને સ્વચ્છ અને પૂરતું પાણી મળી રહે