Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં જામવાળા નજીક આવેલ જમજીરના ધોધ નજીક ખુરશીમાં બેસીને રીલ બનાવનાર ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશીની મુશ્કેલી વધી ગઈ છે. હકીકતમાં કોડિનાર પોલીસના હેડ કૉન્સ્ટેબલે જીલ જોશી વિરુદ્ધ જિલ્લા કલેક્ટરના જાહેરનામાં ભંગ બદલ ફરિયાદ નોંધી છે.
હકીકતમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ગીર જંગલના જામવાળા નજીક આવેલા જમજીર ધોધ પર રીલ બનાવવા તેમજ સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશીએ જમજીરના ધોધ નજીક ખુરશી પર બેસીને રીલ બનાવીને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી હતી.
આ વીડિયો વાયરલ થતાં વન પર્યાવરણ સમિતિના પ્રમુખ હર્ષદ બાંભણીયા દ્વારા અભિનેત્રી વિરુદ્ધ પગલા લેવાની માંગ ઉઠી હતી. જેના પગલે આજે કોડીનાર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દ્વારા ઝીલ જોશી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં જમજીરનો ધોધ પ્રખ્યાત છે. 30 ફૂટ ઉપરથી પડતી જળ રાશિને નિહાળવા માટે દેશ-વિદેશથી સહેલાણીઓ આવે છે. જો કે આ ધોધની નજીક જવામાં જીવનું જોખમ રહેલું છે. ખાસ કરીને ચોમાસ દરમિયાન આ ધોધ સુધી પહોંચુ દુર્ગમ બની જાય છે. આજના મોબાઈલ યુગમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા રીલ અને સેલ્ફીના ચક્કરમાં અનેક લોકો અહીં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આજ કારણોસર તેને 'મોતનો ધોધ' પણ કહેવામાં આવે છે.
આથી જ જિલ્લા કલેક્ટર દ્વારા જમજીર ધોધ નજીક જવા તેમજ અહીં સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં અભિનેત્રી ઝીલ જોશીએ જાહેરનામાનો ભંગ કરીને વીડિયો બનાવ્યો હતો.
