Gir Somnath: તાજેતરમાં જ ગુજરાતમાં તૂટી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો સરકાર વહેલી તકે સહાય જાહેર કરે તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ ઘણા ભાગોમાં સરકાર સામે લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે માવઠાથી થયેલા નુકસાનનો તાગ મેળવવા ખુદ મુખ્યમંત્રી મેદાનમાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં જાત નિરિક્ષણ કર્યું હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે બાદ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાસણ ગામે પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રીએ ખેતરમાં જઈને મગફળીના પાકને થયેલા નુકસાનની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
અહીંથી મુખ્યમંત્રી જૂનાગઢ જિલ્લાના પાણીધ્રા ગામે પહોંચ્યા હતા. અહીં પણ મુખ્યમંત્રીએ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કર્યું હતુ.
પોતાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે વાતચીત કરીને તેમની વેદના પણ સાંભળી હતી. આ તકે મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે સંવાદ કરીને તેમને હૈયાધારણા આપતા જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે જ છે.
મુખ્યમંત્રી ખુદ નુકસાનીની સમીક્ષા કરવા મેદાનમાં આવતા સરકાર વહેલી તકે યોગ્ય સહાય પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોને આશા જાગી છે.
અગાઉ પણ કમોસમી વરસાદની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તીની અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદના સાથે ખેડૂતોની પડખે છે. વહીવટી તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી ઝડપથી હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે તેમ પણ તેમણે જણાવ્યું છે.
રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે.
