Ahmedabad Plane Crash: ગત 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ગોઝારી દુર્ઘટનામાં એકમાત્ર વિશ્વાસકુમાર રમેશ જીવિત બચ્યો હતો. જો કે દુર્ઘટનામાં બચી જવા છતાં વિશ્વાસકુમાર રમેશની જિંદગી હવે પહેલા જેવી નથી રહી.
હકીકતમાં BBCને આપેલા એક ઈન્ટર્વ્યુમાં વિશ્વાસકુમાર રમેશે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, વિમાન દુર્ઘટનામાં હું એકમાત્ર જીવિત બચ્યો છું. જો કે હજુ સુધી મને વિશ્વાસ નથી થઈ રહ્યો. આ એક ચમત્કાર જ છે, પરંતુ મેં મારા ભાઈને ગુમાવી દીધો. મારા ભાઈએ હંમેશા મારો સાથ આપ્યો હતો.
આ પણ વાંચો
વધુમાં વિશ્વાસકુમાર રમેશે જણાવ્યું કે, હવે હું એકલો જ છું. હું મારા રુમમાં એકલો બેસી રહું છું. મારી પત્ની કે પુત્ર કોઈની પણ સાથે વાતચીત નથી કરતો. મને માત્ર રૂમમાં એકલા રહેવું જ ગમે છે. આ દુર્ઘટના બાદ મેં અને મારા પરિવારે શારીરિક અને માનસિક રીતે ઘણું બધુ સહન કર્યું છે, જે ખૂબ જ કપરું છે.
છેલ્લા 4 મહિનાથી મારી માતા કોઈની પણ સાથે વાત કર્યાં વિના દરવાજાની બહાર બેસી રહે છે. તે કશું જ કરતી નથી. મને પણ હવે કોઈની સાથે વાત કરવી ગમતી નથી. હું કોઈને કશું જ કહી નથી શકતો. હું આખી રાત માત્ર વિચાર જ કરતો રહું છું. હું માનસિક રીતે ત્રાસી ગયો છું.
વિશ્વાસકુમાર રમેશે જણાવ્યું કે, પગ, ખભા અને પીઠમાં સતત દુખાવાના કારણે તે કામ પણ નથી કરી શકતો અને કાર પણ ચલાવી નથી શકતો. જ્યારે હું ચાલી નથી શકતો, ત્યારે મારી પત્ની મદદ કરે છે.
જણાવી દઈએ કે, વિશ્વાસકુમાર રમેશને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર થઈ ગયો છે. દીવમાં વિશ્વાસકુમાર રમેશનો પરિવાર માછલી પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જેને તેઓ પોતાના ભાઈ સાથે મળીને સંભાળતા હતા. જો કે વિમાન દુર્ઘટનામાં ભાઈને ગુમાવ્યા બાદ હવે તેમને ધંધો પણ ઠપ્પ થઈ ગયો છે.
એર ઈન્ડિયા દ્વારા વિશ્વાસકુમાર રમેશને 21,500 પાઉન્ડનું વળતર આપવાની રજૂઆત કરી છે, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. જો કે ઘણાં લોકોએ આટલી રકમ અપુરતી હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનની બારી પાસે બેઠેલા દીવના 38 વર્ષીય રમેશકુમાર વિશ્વાસ ફ્લાઈટ ક્રેશ થઈ ત્યારે જ બારીની બહાર ફેંકાઈ જવાથી બચી ગયા હતા. વિમાન દુર્ઘટના બાદ રમેશકુમાર વિશ્વાસ દુર્ઘટના સ્થળેથી નજીવી ઈજા સાથે ચાલતા-ચાલતા બહાર આવ્યા, ત્યારે આસપાસના લોકોએ તેમને ઘેરી લીધા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.
