Gir Somnath: મોડી રાતે સિંહ પરિવારે ગીર ગઢડા ગામને બાનમાં લીધુ, 4 કલાક સુધી ભ્રમણ કરી બે પશુનો શિકાર કર્યો

છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી સિંહ પરિવાર ગામમાં આવી ચડે છે, છતાં વન વિભાગ દ્વારા કોઈ પેટ્રોલિંગ ના થતાં ગ્રામજનોમાં રોષ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 10 Aug 2025 07:53 PM (IST)Updated: Sun, 10 Aug 2025 07:53 PM (IST)
gir-somanath-news-lion-family-moving-in-gir-gadhada-village-caught-in-cctv

Gir Somnath: માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને ચોમાસા દરમિયાન જંગલના રાજા શિકારની શોધમાં ઘણી વખત રહેણાંક વિસ્તારમાં ધસી જતા હોય છે. એવામાં ગઈકાલે રક્ષાબંધનની રાતે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ગામને મોડી રાતે સિંહ પરિવારે બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

હકીકતમાં ગઈકાલે મોડી રાતે બે સિંહણ અને 6 બચ્ચાનો પરિવાર શિકારની શોધમાં ગીર ગઢડા ગામમાં ધસી આવ્યો હતો. આ સિંહ પરિવાર લગભગ 4 કલાક સુધી ગામના અલગ-અલગ વિસ્તારમાં લટાર મારીને બે પશુઓનું મારણ પણ કર્યું હતુ.

સિંહ શિકાર કરતો હોય તેવા દ્રશ્યો કેટલાક ગ્રામજનોએ પોતાની અગાશી પરથી નિહાળ્યા હતા, તો આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ જવા પામી હતી.

આ મામલે ગ્રામજનોએ વન વિભાગ પર પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું કે, છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગામમાં સિંહ આવી ચડે છે. આમ છતાં વન વિભાગ દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા. ગઈકાલે 4 કલાક સુધી સિંહ પરિવાર ગામમાં ફરતો રહ્યો હોવા છતાં વન વિભાગનો કોઈ કર્મચારી આ બાજુ ફરક્યો પણ નહતો. વન વિભાગ નિયમિત પેટ્રોલિંગ કરે તેવી જ અમારી માંગ છે.