Bhim Agiyaras 2026: ભીમ અગિયારસે સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલી 2500 કિલો કેસર કેરીનું આંગણવાડીઓમાં વિતરણ

ભીમ અગિયારસના પવિત્ર અવસરે સોમનાથ મહાદેવને 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ ધરાવવામાં આવ્યો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ કેરીઓ ગીર સોમનાથ જિલ્લાની આંગણવાડીઓમાં બાળકોના સુપોષણ માટે વિતરિત કરવામાં આવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Jun 2026 10:26 PM (IST)Updated: Fri, 26 Jun 2026 10:26 PM (IST)
bhim-agiyaras-2026-shree-somnath-mahadev-trust-distributed-kesar-mangoes-to-anganwadis

Bhim Agiyaras 2026, Nirjala Ekadashi: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં દેશ-વિદેશના ભક્તો દ્વારા અનેકવિધ પ્રસાદ અને મનોરથ અર્પણ કરવામાં આવે છે. પરંપરાગત રીતે, પ્રતિવર્ષ ભીમ અગિયારસ (જેઠ સુદ એકાદશી) ના પવિત્ર અવસરે સોમનાથ દાદાને ફળોના રાજા ગણાતી કેસર કેરીનો ભવ્ય શૃંગાર કરવામાં આવે છે. આ વર્ષે પણ મહાદેવના ચરણોમાં 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો.

ધર્મ અને ભક્તિના કાર્યોની સાથે સમાજ ઉત્કર્ષને વરેલા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ કેરીઓને પ્રસાદ સ્વરૂપે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વેરાવળ તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં વિતરિત કરવામાં આવી છે. મહાદેવનો આ પવિત્ર પ્રસાદ હજારો નાના બાળકો સુધી પહોંચાડીને ટ્રસ્ટે ભક્તિ અને માનવતાના સુભગ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 'સુપોષણ પ્રસાદ યોજના' ચલાવવામાં આવે છે 


દેશના પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં હંમેશાં અગ્રેસર રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા બાળકોના સુપોષણની દિશામાં અનેકવિધ લોક ઉપયોગી કાર્યો થઈ રહ્યા છે. જે અંતર્ગત વાર્ષિક રૂ. 1 કરોડના ખર્ચે 'સુપોષણ પ્રસાદ' યોજના ચલાવવામાં આવે છે, જેમાં આંગણવાડીનાં બાળકોને દરરોજ સોમનાથ દાદાના લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.

naidunia_image

આ જ સેવાકીય શ્રૃંખલાને આગળ વધારતા, પ્રત્યેક કેરીની સિઝનમાં આંગણવાડીનાં ભૂલકાંઓને કેસર કેરીનું વિતરણ કરી, શ્રી સોમનાથ ટ્રસ્ટ મહાદેવની અસીમ કૃપા અને પ્રસાદને સુપોષિત બાળ અભિયાન હેઠળ આંગણવાડીના ભૂલકાઓ સુધી પહોંચાડવા કટિબદ્ધ છે.