Ahmedabad: સાઉથ બોપલની ઈન્ટરનેશનલ સ્કૂલના વૉશરૂમમાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, આધેડ સફાઈ કામદારને પોલીસે કસ્ટડીમાં લીધો

આ ઘટનાની ગંભીરતાને જોતા સ્કૂલ સત્તાધીશો દ્વારા અડપલાં કરનાર કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Jun 2026 10:11 PM (IST)Updated: Fri, 26 Jun 2026 10:11 PM (IST)
ahmedabad-news-student-molestation-in-bopal-international-school-cleaner-arrest

Ahmedabad: શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી LDR ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં નાના બાળક સાથે સ્કૂલના કર્મચારીએ શારીરિક અડપલાં કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે રોષે ભરાયેલા વાલીએ સ્કૂલ સત્તાધીશોને ફરિયાદ કરતાં આખરે અડપલા કરનાર કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે.

આધેડ સફાઈ કામદારે સ્કૂલના વૉશરૂમમાં અડપલાં કરતાં બાળક ડરી ગયો

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, LDR ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રાઈમરી વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે સ્કૂલના વૉશરૂમમાં કર્મચારી દ્વારા અડપલાં કરવામાં આવ્યા હતા.

સ્કૂલના કર્મચારીની ગંદી હરકતથી ડરી ગયેલા વિદ્યાર્થીએ ઘરે જઈને માતા-પિતાને જાણ કરી હતી. જેથી રોષે ભરાયેલા વાલી બાળકને લઈને સ્કૂલમાં ધસી આવ્યા હતા. જ્યાં તેમણે સ્કૂલ સત્તાધીશોને પોતાના બાળક સાથે થયેલી અડપલાની ઘટના અંગે ફરિયાદ કરી હતી.

 

આથી સ્કૂલ સત્તાધીશો દ્વારા આ સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ ઘટનાની ગંભીરતાને જોતા અડપલાં કરનાર કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. હાલ તો બોપલ પોલીસ દ્વારા આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેમજ તેણે અન્ય કોઈ બાળક સાથે અડપલા કર્યાં છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.