Rajkot: રાજકોટમાં વધુ ત્રણ પેઢી લોકોના જીવ સાથે ચેડા કરીને બિન આરોગ્યપ્રદ પનીરનું ઉત્પાદન કરતા રંગેહાથ પકડાઇ હતી. શહેરના લાતી પ્લોટમાં ફોર્ચ્યૂન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ, દોઢસો ફૂટ રિંગરોડ પર સોમનાથ સોસાયટીમાં શ્રીરામ ડેરી અને કોઠારિયા મેઇન રોડ પર આવેલી શ્યામ ડેરી પ્રોડક્ટમાંથી ફૂગ ચડેલી મલાઇ અને પનીરનો જંગી જથ્થો પકડાતા હતો. ઉક્ત ત્રણેય પેઢીને સીલ કરી દેવામા આવી છે.
મનપાની આરોગ્ય શાખાને મળેલી બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન શહેરના લાતી પ્લોટ શેરી નં.4માં ફોર્ચ્યૂન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટના નામથી ચાલતી પેઢીમાં લુઝમાં વેંચાતા પનીરનો નમૂનો લેવામા આવ્યો છે. પનીર બિન આરોગ્યપ્રદ હોવાથી રૂ.5000નો દંડ ફટકારીને પેઢી સીલ કરવામા આવી હતી.
જયારે દોઢસો ફૂટ રિંગરોડ પર સોમનાથ-3 સોસાયટીની શેરી નં.1માં આવેલી શ્રીરામ ડેરીમાંથી ફૂગવાળી મલાઇ મળી આવી હતી. ડેરીમાંથી મલાઇ અને પનીરના નમુના લેવામા આવ્યા હતા. રૂ.5000નો દંડ ફટકારીને શ્રીરામ ડેરીને સીલ કરી દેવામા આવી છે.
આ ઉપરાંત અન્ય દરોડામાં કોઠારિયા મેઇન રોડ પર વિવેકાનંદનગર શેરી નં.9માં આવેલા શ્યામ ડેરી પ્રોડક્ટ નામના યુનિટમાંથી પનીર એનેલોગના સેમ્પલ લઇને રૂ.5000નો દંડ ફટકારી યુનિટ સીલ કરી દેવામા આવ્યુ છે.
કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ચાલી રહેલી ચેકિંગ ઝૂંબેશમાં ખાણી-પીણીના ધંધાર્થીઓનુ ધુપ્પલ બહાર આવી રહ્યો છે. ગઇકાલે તો જોઇને ઉલ્ટી થાય તેવી કાળી ફૂગ વાળી મલાઇ અને પનીરનો જથ્થો ઝડપાયો હતો.
