Ahmedabad: જમાલપુરના કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આજે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરવા જઈ રહેલા યુવકનો જીવ બચાવ્યો છે. આ ઘટનામાં પ્રેમિકા અન્ય યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા હતાશ યુવક આપઘાત કરવા પહોંચ્યો હોવાનું માલૂમ પડ્યું છે.
દધીચિ બ્રિજની રેલિંગ પર ચડેલા યુવકનો હાઈવૉલ્ટેજ ડ્રામા
હકીકતમાં અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ દધીચિ બ્રિજ પર એક યુવક રેલિંગ પર ચડીને નીચે સાબરમતી નદીમાં કૂદવા જઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને બ્રિજ પરથી પસાર થતાં વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા અને યુવકને નીચે ઉતારવા જણાવતા હતા.
આ સમયે જ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ લોકોનું ટોળું જોતા સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમણે યુવકને નીચે ના કૂદવા માટે સમજાવવા સાથે હિંમત આપી હતી. ધારાસભ્ય તેમજ સ્થાનિકોની સમજાવટના અંતે યુવકને નીચે ઉતારવામાં આવ્યો હતો. આ સમયે સ્થળ પર આવેલી પોલીસે યુવકને કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, યુવકની પ્રેમિકા અન્ય યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. જેના કારણે હતાશામાં તે આપઘાત કરવા માટે બ્રિજની રેલિંગ પર ચડ્યો હતો. હાલ તો પોલીસ યુવકે કરેલી વાતમાં કેટલી સચ્ચાઈ છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
