Somnath Mahadev Shaurya Shringar: શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવનો દિવ્ય 'શૌર્ય શૃંગાર', ધર્મરક્ષા અને સ્વાભિમાનનું પ્રતિક

શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવને વિશેષ 'શૌર્ય શૃંગાર' અર્પણ કરાયો, જે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત ધર્મરક્ષાનો સંદેશ આપે છે. આ શૃંગાર સનાતન ધર્મના પવિત્ર આયુધોના સાંકેતિક મહત્વ દ્વારા આધ્યાત્મિક શાંતિ અને શૌર્યનું પ્રતિક છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 24 Aug 2026 10:10 PM (IST)Updated: Mon, 24 Aug 2026 10:10 PM (IST)
somnath-mahadev-shaurya-shringar-on-2nd-shravan-somwar-symbol-of-faith-and-pride

Somnath Mahadev Shaurya Shringar: વર્ષ 2026ને દેશના વડાપ્રધાન તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સોમનાથમાં આ વર્ષ પર્યંત ઉત્સવ અંતર્ગત યાત્રીઓની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે.

એવામાં સ્વાભિમાન પર્વ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં દર સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને વિશેષ સ્વાભિમાન શૃંગાર અર્પણ કરવામાં આવે છે. આજે શ્રાવણના બીજા સોમવારે મહાદેવને અદ્દભૂત અને અલૌકિક 'શૌર્ય શૃંગાર' કરવામાં આવ્યો હતો, જે દર્શનાર્થીઓ માટે પરમ આસ્થા અને ચેતનાનું કેન્દ્ર બન્યો છે.

સનાતન સંસ્કૃતિમાં અસ્ત્ર-શસ્ત્ર માત્ર યુદ્ધનું નહિ, પરંતુ ધર્મરક્ષા અને ધર્મ સંસ્થાપનાનું દિવ્ય પ્રતિક છે. મહાદેવના આ શૌર્ય શૃંગારમાં સનાતન ધર્મના પવિત્ર આયુધોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શૌર્ય શૃંગારનું સાંકેતિક મહત્વ

આ શૃંગારમાં પ્રયોજવામાં આવેલા વિવિધ શસ્ત્રો અને પ્રતીકો સનાતન ધર્મમાં ઊંડું આધ્યાત્મિક અને સામાજિક મહત્વ ધરાવે છે:

શંખ અને પદ્મ (કમળ): શંખ એ નાદબ્રહ્મ, સકારાત્મક ઊર્જા અને ધર્મજાગૃતિનું પ્રતિક છે, જ્યારે પદ્મ સંસારમાં રહીને પણ નિર્લેપતા, પવિત્રતા અને શાંતિનો સંદેશ આપે છે.

ત્રિશૂલ: ત્રિગુણો (સત્વ, રજસ, તમસ) પર સંતુલન જાળવવાનું અને ત્રિવિધ તાપ (ભૌતિક, દૈવિક તથા આધ્યાત્મિક કષ્ટો) ના નાશનું દિવ્ય પ્રતિક.

ચક્ર અને ગદા: ચક્ર એ કાળ (સમય) પર ઈશ્વરના નિયંત્રણનું સૂચક છે, જ્યારે ગદા અન્યાય સામે શક્તિ અને ધર્મના અડગ શાસનનું નિર્દેશન કરે છે.

ધનુષબાણ અને ભાલુ: લક્ષ્ય પ્રત્યેની અચૂક એકાગ્રતા અને સમાજમાં રહેલી દુષ્પ્રવૃત્તિઓનો દૂરથી જ નાશ કરવાની ક્ષમતા દર્શાવે છે.

ખડગ અને પરશુ: જીવના અજ્ઞાનતાના અંધકારને કાપવા (ખડગ) અને મનુષ્યના અહંકારનો છેદ ઉડાડવા (પરશુ) માટેના જ્ઞાન રૂપી શસ્ત્રો છે.

પાશ: મોહ અને માયાના સાંસારિક બંધનોમાંથી જીવને મુક્ત કરી, તેને ઈશ્વરની ભક્તિ તરફ બાંધવાનું કાર્ય કરે છે.

સ્વાભિમાન અને ચેતનાનો સંદેશ:

આ 'શૌર્ય શૃંગાર' માત્ર દર્શન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર વિશ્વના સનાતનીઓને સંદેશ આપે છે કે ધર્મ અને રાષ્ટ્રની રક્ષા માટે આધ્યાત્મિક શાંતિની સાથે સાથે શૌર્ય પણ અનિવાર્ય છે. 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે કરાયેલો આ વિશેષ શૃંગાર દરેક શ્રદ્ધાળુના હૃદયમાં આસ્થા, રાષ્ટ્રપ્રેમ અને ધર્મ પ્રત્યેના સ્વાભિમાનની જ્યોત પ્રજ્વલિત કરે છે.

'ધર્મો રક્ષતિ રક્ષિતઃ - અર્થાત, જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે.' સોમનાથ મહાદેવનો આ શૃંગાર આ જ વૈદિક મંત્રને ચરિતાર્થ કરે છે.