Valsad: વાપીમાં 4 વર્ષથી અલગ રહેતી પત્નીની ઘાતકી હત્યા, કોર્ટ કેસથી કંટાળેલા પતિએ ચપ્પુ વડે સરેઆમ ગળું કાપી નાંખ્યું

વલસાડના વાપીમાં પતિએ કોર્ટ કેસથી કંટાળીને 4 વર્ષથી અલગ રહેતી પત્નીની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી. પોલીસે ફરાર પતિને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Sep 2026 11:45 PM (IST)Updated: Tue, 29 Sep 2026 11:45 PM (IST)
vapi-murder-case-man-kills-estranged-wife-outside-building-police-arrest-husband

Vapi Wife Murder Case: વલસાડ જિલ્લાના વાપીના છીરી વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દંપતી વચ્ચે કોર્ટમાં ચાલી રહેલા કેસ વચ્ચે કંટાળેલા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ઘટનાના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.


આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વાપીના છીરી વિસ્તારમાં આવેલ સાઈ સંસ્કાર રેસિડન્સીમાં રહેતા સીમા ચૌધરીના લગ્ન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પરેશ કટારિયા સાથે થયા હતા. જો કે લગ્ન બાદ બન્ને વચ્ચે મતભેદ વધતાં છેલ્લા 4 વર્ષ કરતાં વધુ સમયથી પતિ-પત્ની જુદા રહેતા હતા.

વાપીમાં બ્યુટીપાર્લર ચલાવીને ગુજરાન ચલાવતી સીમા ચૌધરી દ્વારા પતિ પરેશ કટારિયા વિરુદ્ધ કોર્ટમાં ખાધા-ખોરાકીનો કેસ કરવામાં આવ્યો હતો. આજે સીમા પોતાના ઘરેથી બ્યુટી પાર્લર જવા નીકળી હતી, ત્યારે પત્ની દ્વારા કરવામાં આવેલા કોર્ટ કેસથી કંટાળેલા પતિ પરેશ ચૌધરીએ ધારદાર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

પતિએ ચપ્પુના આડેધડ ઘા ઝીંકી દેતા સીમા ચૌધરી સ્થળ પર જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આ ઘટનાનાની જાણ થતાં ડુંગરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને ફરાર થઈ ગયેલા હત્યારા પતિની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.