Valsad News: નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડી તાલુકાના ઉમરસાડી ખાતે માળખાગત વિકાસ માટે આશરે રૂ. 25 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ઉમરસાડીનો ફૂટઓવર બ્રિજ સમગ્ર ગુજરાતના કોસ્ટલ વિસ્તારોમાં એક મોડેલ તરીકે પ્રસ્થાપિત થશે.
લાંબા સમયની માગણી આજે પૂર્ણ થઇઃ નાણામંત્રી
આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ઉમરસાડી માછીવાડ ખાતે ફૂટઓવર બ્રિજ બનાવવાની બહેનોની લાંબા સમયની માંગણી આજે પૂર્ણ થઈ રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ફૂટઓવર બ્રિજ સમગ્ર ગુજરાતના કોસ્ટલ વિસ્તારોમાં એક મોડેલ તરીકે પ્રસ્થાપિત થશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, બ્રિજના નિર્માણ માટે શરૂઆતમાં 9 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ જમીનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેની ડિઝાઇન અને જગ્યામાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થતાં હવે તેનો અંદાજિત ખર્ચ 21 કરોડ રૂપિયા થવા જઈ રહ્યો છે.
વધુમાં મંત્રી કનુ દેસાઈએ 1999-2000ની હોનારતનો ઉલ્લેખ કરી જૂની પેઢીના સંઘર્ષને યાદ કરીને હંમેશા સાથ આપવા બદલ ગ્રામજનો, સરપંચ અને સ્થાનિક આગેવાનોનો આભાર માન્યો હતો. પથ્થરના વિઘ્નને દૂર કરવા રશિયન એન્જિનિયરોની મદદથી બની રહેલી ફ્લોટિંગ જેટીનું કામ, બમણા ખર્ચે પણ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરવાની ખાતરી પણ મંત્રીએ આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના આ વિકાસલક્ષી પ્રયાસો લોકોની ખુશી માટે અતિ મહત્વના છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા રાષ્ટ્રીય નેતાઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી જેવા પ્રબળ નેતાઓ દક્ષિણ ગુજરાતના વિકાસ માટે સતત ચિંતિત છે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો અને આગેવાનોનો આભાર માનતા જણાવ્યું હતું કે, જ્યાં વડીલો અને યુવાનોનો સંગમ હોય છે ત્યાં ગામનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે છે.
190 મીટરના ફૂટઓવર બ્રિજનું નિર્માણ કરાશે
આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે રૂ. 20.20 કરોડના ખર્ચે કોઢારખાડી પર ઉમરસાડી માછીવાડ ગામથી ઉમરસાડી માછીવાડ બીચને જોડતા 190 મીટર લંબાઈના ફૂટઓવર બ્રિજનું નિર્માણ, રૂ. 2 કરોડના ખર્ચે ઉમરસાડી દેસાઈવાડથી નાની માછીવાડ થઈ મોટી માછીવાડ સ્કૂલ ફળિયાને જોડતો રસ્તો, રૂ. 80 લાખના ખર્ચે પટેલ ફળિયામાં રામેશ્વર મંદિર તરફ જતો રસ્તો અને રૂ. 40 લાખના ખર્ચે માછીવાડ કોસ્ટલ હાઈવેથી દોલતભાઈ મધુભાઈ પટેલની વાડી સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભુલકાંઓના શિક્ષણ અને પોષણ માટે ઉમરસાડીના ચૌટા ફળિયા અને ભરવાડ ફળિયા ખાતે પ્રત્યેક રૂ. 16 લાખના ખર્ચે બે નવીન આંગણવાડીઓના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞ્નેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર ભાવેશભાઈ પટેલે કાર્યક્રમની રૂપરેખા અને ઉમરસાડી માછીવાડના સરપંચ ખુશ્બુબેન ટંડેલે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ પુનિતભાઈ પટેલ, સંગઠન અગ્રણીઓ વિપુલભાઈ પટેલ અને મહેશભાઈ દેસાઈ, કોટલાવ ગામના સરપંચ દિનેશભાઈ હળપતિ, ગુજરાત રાજ્ય માછી મંડળના પ્રમુખ ક્રિષ્નાભાઈ ટંડેલ સહિત ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજ, રસ્તાઓ અને આંગણવાડીઓના નિર્માણ થકી સ્થાનિક નાગરિકોની સુખાકારીમાં વધારો થશે તેમજ પરિવહન અને શિક્ષણની માળખાગત સુવિધાઓ ભવિષ્યમાં વધુ સુદ્રઢ બનશે.
