Valsad: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત વલસાડમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે ધર્માંતરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે લોકોને કોઈ પણ લાલચ કે ડરના કારણે ધર્મ ના બદલવા જણાવ્યું છે.
મોહન ભાગવતે જણાવ્યું કે, રોજિંદા જીવનના લોભ અને લાલચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આપણે ધર્મથી દૂર થઈ શકીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે, ધર્મ જ દરેકને ખુશી તરફ લઈ જઈ શકે છે.
આપણે એકજૂટ થઈને રહેવા માંગીએ છીએ, લડવા નથી માંગતા. જો કે આપણે આપણી જાતને બચાવવી પડશે. આ માટે પ્રાચીન કાળથી આપણા દેશમાં આવી વ્યવસ્થા છે, પરંતુ આજે એવી તાકાત સક્રીય થઈ ગઈ છે, જે ધર્માંતરણ કરાવવા માંગે છે. મહાભારતના સમયે ધર્માંતરણ કરાવનારું કોઈ નહતુ, પરંતુ દુર્યોધને પાંડવોનું રાજ્ય પચાવી પાડવા લાલચ આપી જે કામ કર્યું, તે અધર્મ હતુ. આપણે કોઈ સ્વાર્થી લાલચમાં ફસાયા વિના ધાર્મિક આચરણનું નિયમિત પાલન કરવું પડશે.
સદ્દગુરુધામનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, અગાઉ તપસ્વી ગામે-ગામ જઈને લોકોને સત્સંગ સંભળાવતા હતા અને તેમને ધર્મના માર્ગે લાવતા હતા. જો કે જેમ-જેમ વસ્તી વધી તેમ-તેમ આવા સદ્દગુરુધામ જેવા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી. જ્યાં લોકો એકઠા થઈને પૂજા અને આધ્યાત્મ કરે છે.
તહેવારો અને મંદિરોમાં દૈનિક પૂજા પણ અર્થ વ્યવસ્થામાં યોગદાન આપે છે. આપણે સાંભળ્યું જ હશે કે, મહાકુંભમાં કેટલા ટ્રિલિયન ડૉલરની કમાણી થઈ. અમે ધર્મના નામે વેપાર કરનારા લોકો નથી.
