Mohan Bhagwat New York Speech: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે અમેરિકાના ન્યૂ યોર્ક ખાતે આયોજિત 'એક વિશ્વ એક માનવતા' કાર્યક્રમમાં માનવતાની એકતા અને પરસ્પર સમભાવ પર વિશેષ ભાર મૂક્યો હતો. 'વસુધૈવ કુટુંબકમ'ના ભારતના સનાતન અને વર્ષો જૂના સિદ્ધાંતનો સંદર્ભ આપતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ધર્મ, ઉપાસના અને પૂજા કરવાની પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ સમગ્ર માનવતા એક જ છે.
"હિન્દુત્વ કોઈ પણ વિરોધ કે ભેદભાવ શીખવતું નથી": મોહન ભાગવત
આ પણ વાંચો
ધાર્મિક નેતાઓ અને વિવિધ સમુદાયના અગ્રણીઓની સભાને સંબોધતા RSS વડાએ 2018માં નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે યાદ કરાવ્યું કે તે સમયે ત્યાં ઉપસ્થિત કેટલાક મુસ્લિમ ભાઈઓએ તેમને પૂછ્યું હતું કે, "તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો, તો શું ભવિષ્યમાં મુસ્લિમોને દેશમાંથી બહાર હાંકી કાઢવામાં આવશે?"
આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપતાં મોહન ભાગવતે કહ્યું, "ના, તે હિન્દુત્વ નથી. જો કોઈ વ્યક્તિ એવું વિચારતી હોય કે ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવા જોઈએ, તો તે વ્યક્તિ ખરેખર હિન્દુ જ નથી." તેમણે ઉમેર્યું કે સત્ય એક જ છે, પરંતુ દરેક મનુષ્ય પોતાના મનમાં બનેલા સોફ્ટવેર અને દ્રષ્ટિકોણના આધારે તેને જુદી જુદી રીતે વ્યક્ત કરે છે.
ત્રણ દેશોના પ્રવાસનો પ્રથમ તબક્કો
સંઘ પ્રમુખ મોહન ભાગવત આ અઠવાડિયાની શરૂઆતમાં ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. RSS ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદેશી સંગઠનોના આમંત્રણ પર યોજાયેલા તેમના ત્રણ દેશોના આઉટરીચ પ્રવાસનો આ પ્રથમ તબક્કો છે. અમેરિકાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ કેનેડા અને યુનાઇટેડ કિંગડમ (UK) ની મુલાકાતે પણ જવાના છે.
આરએસએસના અખિલ ભારતીય પ્રચાર વડા સુનીલ આંબેકરના જણાવ્યા મુજબ, ન્યૂ યોર્કનો આ કાર્યક્રમ એક આંતરધાર્મિક મેળાવડો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખુલ્લા સંવાદ, પરસ્પર આદર, સમજણ અને હેતુની સહિયારી ભાવનાને વેગ આપવાનો હતો.
'માત્ર સેવા માટે સમર્પિત લોકોનું જ સંઘમાં સ્થાન': મોહન ભાગવત
કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે સંઘની કાર્યપ્રણાલી અને વિચારધારા સ્પષ્ટ કરતા જણાવ્યું કે, વ્યક્તિગત સ્વાર્થ કે લાભની અપેક્ષા રાખીને સંઘમાં જોડાવા માગતા લોકો માટે અહીં કોઈ સ્થાન નથી. સંઘમાં માત્ર નિઃસ્વાર્થ સેવા ભાવના ધરાવતા લોકો માટે જ જગ્યા છે.
પોતાના વક્તવ્યમાં તેમણે ૧૯૯૬માં હરિયાણામાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાનો દાખલો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે તે સમયે સંઘના સ્વયંસેવકોએ કોઈપણ ધાર્મિક કે જાતીય ભેદભાવ રાખ્યા વિના પીડિતોની દિવસ-રાત સેવા કરી હતી. તેમણે અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે જો આપણે સમાજને સાચું શિક્ષણ અને મૂલ્યો આપવાનું બંધ કરી દઈશું, તો સમાજ પોતાનો સાચો માર્ગ ગુમાવી દેશે.
