Banaskantha: બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ સાસંદ વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નવરંગપુરા ગામના એક યુવકે ફેસુબુક પોસ્ટમાં અણછાજતી ટિપ્પણી કરી હતી. જેના પગલે કોંગ્રેસ અને ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે વિવાદ વધુ વકરતો જોઈને યુવકે પોતાની જૂની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. જે બાદ નવી પોસ્ટમાં કોંગ્રેસ અને ઠાકોર સમાજની માફી માંગી છે.
'સી.એમ. સરકાર' નામના ફેસબુક પેજ પર ચિંતન મહેતા નામના નવરંગપુરા ગામના યુવકે એક પોસ્ટ મૂકી હતી. જેમાં વકફ કાયદા સંદર્ભે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીમાં હિનકક્ષાની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે કોંગ્રેસ અને ઠાકોર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
આ પણ વાંચો
આ ઘટનાને પગલે રોષે ભરાયેલ કોંગ્રેસના કાર્યકરો તેમજ ઠાકોર સમાજના આગેવાનોએ પાટડી ચાર રસ્તા નજીક ચિંતન મહેતા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે ચક્કાજામ કર્યો હતો. જેના પગલે દોડતી થયેલી પોલીસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત 20થી વધુ વ્યક્તિની અટકાયત કરી હતી. બીજી તરફ કઠાડા ગામના નટુજી ઠાકોરે ચિંતન મહેતા વિરુદ્ધ પાટડી પોલીસમાં લેખિત અરજી આપીને પગલા લેવાની માંગ કરી છે. જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
જો કે વિવાદ વકરતો જોતા ચિંતન મહેતાએ પોતાની પોસ્ટ ડિલિટ કરી દીધી હતી અને પોતાના ફેસબુકમાં એક નવો વીડિયો મૂકીને ઠાકોર સમાજ અને કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની માફી માંગી હતી.
