Banakantha: વડગામમાં કળયુગી પુત્રનું કારસ્તાન, ઘર આગળ વાસણ ઘસી રહેલી સગી જનેતાને પાવડાનો જીવલેણ ઘા ઝીંકીને પતાવી દીધી

ઘરના આંગણામાં લોહીના ખાબોચિયામાં માતાને તરફડિયા મારતી મૂકીને હત્યારો પુત્ર બાઈક લઈને દાંતા પોલીસ મથકે પહોંચ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 12 Apr 2025 05:53 PM (IST)Updated: Sat, 12 Apr 2025 05:54 PM (IST)
banaskantha-news-son-killed-mother-in-sherpura-village-of-vadgam

Banskantha: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા (શેભર) ગામે કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઝઘડાખોર પુત્ર દ્વારા પાવડાના આડેધડ ઘા ઝીંકીને સગી જનેતાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડગામ તાલુકાના શેરપુરા ગામે રહેતા મધુબેન કટારિયા (50) ગત બુધવારના રોજ પોતાના ઘર આગળ વાસણ ઘસી રહ્યા હતા. આ દરમિયાન તેમનો પુત્ર પરિમલ (26) આવી ચડ્યો હતો. મધુબેન કઈ સમજે તે પહેલા જ પરિમલ પાવડો લઈને તેમના પર આડેધડ ઘા ઝીંકવા લાગ્યો હતો. મધુબેનને માથાના ભાગે પાવડાના ફટકા વાગતા તેઓ ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા હતા. જે બાદ માતાને તરફડિયા મારતી હાલતમાં મૂકીને પુત્ર પોતાનું બાઈક લઈને જતો રહ્યો હતો.

આ બનાવની જાણ થતાં વડગામ પોલીસ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે તપાસીને મધુબેનને મૃત જાહેર કર્યા હતા, જે બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડગામની સરકારી હોસ્પિટલમાં મોકલીને તપાસ હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછમાં મૃતકના પતિ સુરેશ કટારિયાએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી તેમના પુત્ર પરિમલનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. તે અવારનવાર લોકો સાથે ઝઘડા કરતો હતો. આ બનાવના દિવસે તેઓ લોકાચાર અર્થે નજીકના ગામે ગયા હતા. આ દરમિયાન માતા-પુત્ર વચ્ચે કોઈ કારણોસર થયેલી બોલાચાલીના અંતે પરિમલે માતાની હત્યા કરી હતી.

બીજી તરફ માતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ પુત્ર પરિમલ સામેથી દાંતા પોલીસ મથકે હાજર થયો હતો. જ્યાં તેણે પોતાના હાથે માતાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. જો કે બનાવનું સ્થળ વડગામ પોલીસની હદમાં આવતું હોવાથી દાંતા પોલીસ દ્વારા પરિમલને વડગામ પોલીસને સોંપવામાં આવ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.