Valsad: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાવર ગામમાં વીજ કરંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વીજ પોલ ઉભો કરતી વખતે જીવંત લાઈનના સંપર્કમાં આવતા ચારેક મજૂરોને જોરદાર ઝાટકો લાગ્યો હતો. આ ઘટનામાં બે શ્રમિકોના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે બેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વાવર ગામના રીઠમાળ ફળિયામાં રહેતા મજૂરો ઘરટા પાડા ફળિયામાં GEBનો વીજ પોલ ઉભો કરી રહ્યા હતા. જ્યાં પાંચેક ફૂટના અંતરેથી જીવંત લાઈન પસાર થઈ રહી હતી.
15 જેટલા મજૂરો એકઠા થઈને વીજ પોલ ઉભો કર્યો, પરંતુ અચાનક પોલ હાથમાંથી છટકી ગયો હતો. જે બાજુમાંથી પસાર થતી જીવંત લાઈન પર પડતાં વીજ પોલમાં કરંટ ઉતર્યો હતો. જેના કારણે પોલ પકડીને રહેલા ચારેક જેટલા મજૂરોને કરંટ લાગતા તેઓ બેભાન થઈ ગયા હતા.
આ બાબતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. જ્યાં ચારેય શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે સુથારપાડા CHC લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બે શ્રમિકોને મૃત જાહેર કર્યાં હતા.
બીજી તરફ આ બનાવની જાણ થતાં કપરાડા પોલીસની ટીમ પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મજૂરોની ઓળખ સુરેશ પવાર (36) અને સાગર સરનાયક (20) તરીકે થઈ છે. જ્યારે હિમેશ સરનાયક અને શુભમ દોડકાની હાલત ગંભીર જણાતા બન્નેને વધુ સઘન સારવાર માટે ધરમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો કપરાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
