Valsad: તાજેતરમાં પારડીના પલસાણામાં 22 વર્ષીય યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું હતુ. જેમાં મૃતકના શરીરે ડામ આપ્યાના નિશાન જોવા મળતાં મેલી વિદ્યા કરવામાં આવતા યુવતી મોતને ભેટી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતુ. એવામાં આ સમગ્ર મામલે ખુદ પોલીસે ફરિયાદી બનીને સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
હકીકતમાં પારડી તાલુકાના પલસાણા ગામના છેવાડે રહેતા આદિવાસી હળપતિ પરિવારે ચૈત્રી નવરાત્રી નિમિત્તે પોતાના ઘરે માતાજીની સ્થાપના કરી હતી. 30 માર્ચના રોજ હળપતિ પરિવાર પોતાના ઘરે સ્થાપના કરેલ માતાજીની આરતી ઉતારતો હતો. આ સમયે પરિવારની 22 વર્ષીય દીકરી દિવ્યા હળપતિએ પોતાને મેલડી માતા આવતા હોવાનું જણાવ્યું હતુ.
ગત 4 એપ્રિલના રોજ પણ પણ મૃતકે પોતાને માતાજી આવ્યા હોવાનું કહીને શરીર પર દીવડા મૂકવા જણાવ્યું હતુ. જો કે મૃતકની માતાના વિરોધ છતાં અંધશ્રદ્ધામાં ભાન ભૂલેલા તેના પિતા, બહેન અને બનેવીએ રૂની દીવેટો બનાવીને દીવ્યાના કપાળ, ગળા, પેટ, બન્ને હાથની હથેળી અને પગના પંજા પર દીવડા પ્રગટાવ્યા હતા.
જેના પગલે ગંભીર રીતે દાઝી ગયેલી દિવ્યા હળપતિને તાત્કાલિક સારવાર અર્થે વાપીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન 14 એપ્રિલના રોજ તેનું મોત નીપજ્યું હતુ. બીજી તરફ પરિવારના સભ્યોએ દિવ્યાનું ખેંચ આવતા અને દાઝી જવાથી મોત નિપજ્યું હોવાનું રટણ કર્યું હતુ.
યુવતીના અંતિમ સંસ્કાર સમયે તેના હાથ-પગ અને કપાળના ભાગે ડામના નિશાન દેખાતા મેલી વિદ્યાની આશંકા સેવાઈ હતી. આથી પોલીસે મૃતક દિવ્યાની માતાની આગવી ઢબે પૂછપરછ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે પોલીસે મૃતક દિવ્યાના પિતા અર્જુનભાઈ, બહેન ઈશિતા, પ્રિયંકા અને બનેવી જિગ્નેશ નાયકા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
