Rajkot: રાજકોટ શહેરમાં સ્કૂલ અને કૉલેજોની આસપાસ આંટાફેરા મારતા લુખ્ખા તત્વો સામે પોલીસ દ્વારા કુણું વલણ દાખવવામાં આવી રહ્યું છે. જેના કારણે બેફામ બનેલા આવા લુખ્ખાઓ સ્કૂલ-કૉલેજની વિદ્યાર્થિનીઓની બિન્દાસ્ત છેડતી કરવા લાગ્યા છે. બીજી તરફ પીડિત વિદ્યાર્થિનીઓ કોર્ટ-કચેરીની ઝંઝટમાં પડવા માંગતી ના હોવાથી ફરિયાદ પણ કરતી નથી. જેના કારણે આવા લુખ્ખાઓ વધુને વધુ બેફામ બની રહ્યા છે, ત્યારે આવો જ વધુ એક બનાવ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી સામે આવ્યો છે.
ભગવતીપરા વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાના પિતાએ એ-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ભગવતીપરા વિસ્તારના જયપ્રકાશનગરમાં રહેતા રાહુલ નામના શખ્સનું નામ આપતાં પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની 14 વર્ષીય પુત્રી હોસ્પિટલ ચોક નજીક આવેલી સ્કૂલમાં ધો.9માં અભ્યાસ કરે છે. ગઈકાલે દીકરી રાબેતા મુજબ લેવા-મૂકવા જતી રિક્ષા મારફતે સ્કૂલે જવા માટે નીકળી હતી. અત્યારે સ્કૂલમાં પરીક્ષા ચાલતી હોવાથી દીકરીનું પેપર વહેલું પતી ગયું હતુ. આથી તે સ્કૂલમાંથી બહાર નીકળી ગઈ હતી.
આ દરમિયાન સ્કૂલની બહાર આંટાફેરા મારતો રાહુલ સગીરાની પાસે આવ્યો હતો અને આંટો મારવા જવાના બહાને પોતાના બાઈક પર બેસાડી દીધી હતી. સગીરા રાહુલને ઓળખતી હોવાથી તેના બાઈક પર બેસી ગઈ હતી. જે બાદ રાહુલ સગીરાને જય પ્રકાશનગર સ્થિત તેના મકાને લઈ ગયો હતો. જ્યાં રાહુલે સગીરાને અડપલા કરવા લાગ્યા હતા. જો કે સગીરાએ વિરોધ કરતાં ઉશ્કેરાયેલા રાહુલે સગીરાના શરીરના ભાગે બચકાં ભરી લીધા હતા.
બીજી તરફ સ્કૂલનો સમય પુરો થયા બાદ લેવા આવેલા રિક્ષા ચાલકે રાહ જોઈ છતાં સગીરા બહાર ના નીકળતા તેણે સગીરાની માતાને જાણ કરી હતી. જેથી સગીરાના વાલી તાત્કાલિક સ્કૂલ પર દોડી આવ્યા હતા અને દીકરીની શોધખોળ હાથ ધરી હતી. સગીરાની માતા સ્કૂલના ગેટ નજીક ઉભી હતી, ત્યારે જ રાહુલ બાઈક પર સગીરાને ઉતારીને ભાગી ગયો હતો.
જેથી માતાએ દીકરીની પૂછપરછ કરતાં તેણે પોતાની આપવીતી જણાવી હતી. આખરે સગીરાના પિતા દીકરીને લઈને એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી રાહુલની ધરપકડ માટે તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.
