Rajkot: રાજકોટ શહેરની ભાગોળે આવેલા મનહરપુરા ગામના સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દેતાં ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું છે.
ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર, દીપડો ગત રાત્રે બે ડેમ કાંઠે જોવા મળ્યો હતો. એટલું જ નહીં, વિસ્તારમાં દીપડાના પગના નિશાન પણ જોવા મળ્યા છે, જેના કારણે તેની હાજરીની પુષ્ટિ થઈ છે.
સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે, ગઈકાલે જ્યારે તેઓ ખેતરમાં પિયત કરી રહ્યા હતા, ત્યારે તેમણે દીપડાને માત્ર પાંચ ફૂટના અંતરેથી જોયો હતો. એક ખેડૂતે તો એમ પણ જણાવ્યું કે, તેણે મોતને એકદમ નજીકથી જોયું હતું. આ ઘટના બાદ ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને તેઓ ખેતરમાં એકલા જતાં પણ ડરી રહ્યા છે.
દીપડાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, દીપડાને પકડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
હાલમાં વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.
