Surendranagar: સાયલા-ચોટીલા હાઈવે પર ખાનગી કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ, માલસામાન રાખ થતાં વ્યાપક નુકસાનની આશંકા

ઈલેક્ટ્રિક થાંભલામાંથી વાયર તૂટી પડવાના કારણે શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન, સુરેન્દ્રનગર અને ચોટીલા ફાયર બ્રિગેડનો કાફળો ઘટના સ્થળે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Apr 2025 04:15 PM (IST)Updated: Fri, 18 Apr 2025 04:15 PM (IST)
surendranagar-news-private-company-plant-caught-fire-on-sayla-chotila-highway
HIGHLIGHTS
  • વિકરાળ આગમાં પ્લાન્ટ સંપૂર્ણપણે બળીને રાખ

Surendranagar: સાયલા-ચોટીલા હાઈવે પર આવેલા વખતપર ગામ નજીકના વરુણ પ્રોકોના પ્રાઈવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીના પ્લાન્ટમાં આજે બપોરના સમયે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. પ્લાન્ટના સ્ટોર રૂમમાં લાગેલી આગે, જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી ગઈ હતી.

બીજી તરફ આગ લાગવાની જાણ થતાં સુરેન્દ્નનગર અને ચોટીલાથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સતત બે કલાકથી સતત પ્રયત્ન છતાં હજુ પણ આગ બેકાબૂ હોવાનું માલૂમ પડ્યું છે.

પ્રાથમિક તપાસમાં ઈલેક્ટ્રિકના થાંભલામાંથી વાયર તૂટી પડવાના કારણે શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. પ્લાન્ટના સ્ટોર રૂમમાં રાખેલ ડીઝલ, ઑઈલ અને ઈલેક્ટ્રોનિક સહિતનો મોટી સંખ્યામાં માલસામાન રાખવામાં આવ્યો હતો. જે સંપૂર્ણ બળીને રાખ થઈ જવાથી લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે.

અત્યારે પણ ફાયર ફાઈટર્સની ટીમ દ્વારા આગને સંપૂર્ણપણે ઓલવવા માટે જોરશોરથી પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. એક વખત આગ ઓલવાઈ જાય, પછી જ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.