70 વર્ષની વયે પરંપરા અને પુરુષાર્થનો સંગમ: સુરેન્દ્રનગરના ખેડૂતે ગાય આધારિત ખેતીમાંથી બનાવી વાર્ષિક 2.50 લાખની પ્રોસેસિંગ બ્રાન્ડ

સુરેન્દ્રનગરના વડોદ ગામના વતની કાળુભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી રાસાયણિક ખાતરો કે ઝેરી કીટનાશકોનો એક પણ ટીંપાનો ઉપયોગ કર્યા વિના માત્ર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 20 Oct 2026 11:59 AM (IST)Updated: Tue, 20 Oct 2026 11:59 AM (IST)
surendranagar-farmer-kalubhai-patel-natural-farming-turmeric-processing-2026
કાળુભાઈ પટેલ ખેડૂત

Farmer Success Story: આજના આધુનિક યુગમાં જ્યાં વધુ ઉત્પાદન મેળવવાની ઘેલછામાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના વડોદ ગામના 70 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ પટેલે એક નવી જ રાહ ચીંધી છે. તેમણે સાબિત કરી બતાવ્યું છે કે ઝેરી રસાયણોના ઉપયોગ વિના પણ પરંપરાગત પદ્ધતિ અને પુરુષાર્થથી ધરતીમાંથી શુદ્ધ સોનું ઉપજાવી શકાય છે. છેલ્લાં 13 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કાળુભાઈ અને તેમના પુત્રએ ચાર એકરમાં હળદરનું સફળ ઉત્પાદન મેળવીને મૂલ્યવર્ધન થકી આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગાય આધારિત ખેતી

સુરેન્દ્રનગરના વડોદ ગામના વતની કાળુભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી રાસાયણિક ખાતરો કે ઝેરી કીટનાશકોનો એક પણ ટીંપાનો ઉપયોગ કર્યા વિના માત્ર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ પોતાની ચાર એકર જમીનમાં ગૌમૂત્ર, છાણ અને જીવામૃતના સહારે સંપૂર્ણપણે ઓર્ગેનિક હળદરનું વાવેતર કરે છે. પ્રાકૃતિક ખેતીના કારણે જમીનની ફળદ્રુપતામાં સતત વધારો થયો છે અને પાકની ગુણવત્તા પણ ઉત્તમ સ્તરે પહોંચી છે.

અંગત અનુભવ શેર કરતાં ખેડૂત કાળુભાઈ પટેલે જણાવ્યું હતું કે, "શરૂઆતમાં લોકો રાસાયણિક ખાતર વગર ઉત્પાદન મળવા સામે શંકા વ્યક્ત કરતા હતા, પરંતુ અમે દેશી ગાયના ગોબર અને જીવામૃત પર ભરોસો રાખ્યો. આજે આપણી માટી ઝેરમુક્ત બની છે અને પાકનું ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે."

સરકારી સહાય અને ઘરઆંગણે પ્રોસેસિંગ યુનિટ

માત્ર ખેતી જ નહીં, પરંતુ ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરીને સીધું ગ્રાહકો સુધી પહોંચાડવું એ જ ખેડૂતની સાચી કમાણીનો માર્ગ છે તે આ પરિવારે સાર્થક કરી બતાવ્યું છે. કાળુભાઈ અને તેમના પુત્ર સુરેશભાઈએ રાજ્ય સરકારના બાગાયત વિભાગની 50 ટકા સબસિડી યોજનાનો લાભ મેળવ્યો હતો. તેમણે કુલ ₹5 લાખના ખર્ચે પોતાના ઘરઆંગણે જ સ્ટીમ બોઈલર અને પોલિશિંગ મશીન ધરાવતું આધુનિક પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કર્યું છે.

ખેતરમાં પાકેલી હળદરને આ યુનિટમાં પ્રોસેસ કરીને શુદ્ધ હળદર પાવડર અને સ્વાદિષ્ટ અથાણું તૈયાર કરવામાં આવે છે. આ ઉત્પાદનોનું કોઈ પણ વચેટિયા વિના સીધું ગ્રાહકોને વેચાણ કરીને કાળુભાઈનો પરિવાર તમામ ખર્ચ બાદ કરીને વાર્ષિક ₹2.50 લાખનો ચોખ્ખો નફો કમાઈ રહ્યો છે. ખેડૂત સુરેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે, "મૂલ્યવર્ધન અને ડાયરેક્ટ માર્કેટિંગથી ખેડૂતને પોતાની પેદાશનો સાચો ભાવ મળે છે અને ગ્રાહકોને પણ શુદ્ધ સામગ્રી પ્રાપ્ત થાય છે."

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું સંશોધન

પ્રાકૃતિક ખેતી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ ઉત્પાદનની દ્રષ્ટિએ પણ અત્યંત ફાયદાકારક છે તે બાબત વૈજ્ઞાનિક સંશોધનમાં પણ સાબિત થઈ ચૂકી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન મુજબ, પરંપરાગત રાસાયણિક પદ્ધતિથી પ્રતિ હેક્ટર સરેરાશ 19.3 ટન હળદરનું ઉત્પાદન મળે છે, જ્યારે તેની સરખામણીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં પ્રતિ હેક્ટર 40.66 ટન જેટલું વિક્રમજનક ઉત્પાદન નોંધાયું છે.

સુરેન્દ્રનગરના વડોદ ગામના આ પરિવારની સફળતા પુરવાર કરે છે કે જો યોગ્ય સરકારી સહયોગ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને પ્રોસેસિંગ દ્વારા મૂલ્યવર્ધનનો સંગમ કરવામાં આવે, તો દેશનો ખેડૂત સાચા અર્થમાં સમૃદ્ધ અને આત્મનિર્ભર બની શકે છે.