Vapi New STP Plant: અમૃત 2.0 (Amrut 2.0) યોજના હેઠળ વાપીના ચણોદ ખાતે નિર્માણ કરવામાં આવેલા 22.00 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓનલાઈન શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના કાર્યરત થવાથી વાપી પૂર્વ વિસ્તારનું ગંદુ પાણી હવે દમણગંગા નદીમાં જતું અટકશે.
ગંદા પાણીની 20 વર્ષ જૂની સમસ્યાનો ઉકેલ
આ પણ વાંચો
વાપી શહેરમાં ઘર વપરાશના ગંદા પાણીથી થતા પ્રદૂષણને અટકાવવા અને પર્યાવરણના જતન માટે વાપી મહાનગરપાલિકાના વોટર સપ્લાય એન્ડ સીવરેજ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. વાપી શહેરના પૂર્વ વિસ્તારમાં ગંદા પાણીની 20 વર્ષ જૂની ગંભીર સમસ્યાનો આખરે ઉકેલ આવ્યો છે.
દમણગંગા નદીને પ્રદૂષણમુક્ત કરવાનો પ્રયાસ
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ડુંગરા અને ચણોદ સહિતના કેટલાક વિસ્તારોમાં STP પ્લાન્ટના અભાવે ઘર વપરાશનું ગંદુ પાણી સીધું દમણગંગા નદીમાં ઠલવાતું હતું, જેના કારણે નદીમાં જળ પ્રદૂષિત થઈ રહ્યું હતું. આ સમસ્યાના કાયમી નિકાલ માટે છેલ્લા ચાર વર્ષથી મનપા દ્વારા ચણોદ ખાતે 22 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.
નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ પ્રોજેક્ટની શરૂઆત કરાવવામાં આવી હતી. અમુક ટેકનિકલ કારણોસર પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો, પરંતુ કામગીરી પૂર્ણ થતાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બે STP બાદ હવે ત્રીજા STP પ્લાન્ટ માટે પણ કવાયત હાથ ધરવામાં આવી છે.
SBT ટેકનોલોજીથી ગંદા પાણીનું શુદ્ધિકરણ
નવા 22 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ગોકુલ વિહાર, જલારામ સોસાયટી, આનંદ નગર, ઈમરાન નગર, મહેસાણા નગર, ગીતાનગર, ગોદાલ નગર, સુલપડ, ડુંગરા અને ચણોદ સહિતના વિસ્તારથી નીકળતા ઘર વપરાશના પાણીને ભૂગર્ભ ગટર નેટવર્ક અને પમ્પિંગ સ્ટેશન મારફતે પહોંચાડાશે.
આ પ્રોજેક્ટના મહત્વપૂર્ણ ભાગરૂપે હનુમાન મંદિર પમ્પિંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યાંથી પૂર્વ વિસ્તારનું ગંદુ પાણી ટ્રીટમેન્ટ માટે STP સુધી મોકલાશે અને ત્યાં SBT ટેકનોલોજીથી તેનું શુદ્ધિકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી નદી અને જળસ્રોતોમાં પ્રદૂષણ ઘટવાની સાથે જાહેર આરોગ્ય, સ્વચ્છતા અને પર્યાવરણને મોટો લાભ મળશે.
