Valsad Crime News: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાથી એક રમૂજી અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોના-ચાંદીની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરોને સ્થાનિક લોકો અને વેપારીએ સમયસૂચકતા વાપરીને અંદર જ બંધ કરી દીધા હતા. બહાર લોકોનું ટોળું એકઠું થતા અને મારના ડરથી ચોરોએ જીવ બચાવવા માટે ખુદ પોલીસ હેલ્પલાઈન નંબર 112 પર કોલ કરી મદદ માંગી હતી.
કટરથી નકુચો કાપીને અંદર ઘૂસ્યા ચોર
પ્રાપ્ત વિગતો અનુસાર, સંજાણ બજારની રાઈસ મિલ ગલીમાં (ઉદવા રોડ) મનીષ શર્મા ‘બી.જે. જ્વેલર્સ’ નામનો સોના-ચાંદીનો શો-રૂમ ચલાવે છે. મંગળવારે રાત્રે સાડા સાત વાગ્યે તેઓ નિયમ મુજબ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે આશરે 3:00 વાગ્યે બે અજાણ્યા તસ્કરો કટરથી શટરના નકુચા કાપીને ચોરી કરવા દુકાનની અંદર ઘૂસ્યા હતા.
જાગૃત પાડોશીએ ચોરોનો ભાંડો ફોડ્યો
તસ્કરો જ્યારે શટર કાપી રહ્યા હતા ત્યારે તેનો અવાજ આવતા જ સામે રહેતા નિખિલભાઈ જાગી ગયા હતા. તેમણે તાત્કાલિક આ બાબતે આકાશભાઈને ફોન કર્યો અને આકાશભાઈએ દુકાન માલિક મનીષ શર્માને ચોરી થતી હોવાની જાણ કરી હતી. જાણ થતાં જ દુકાનદાર મનીષ શર્મા તેમના ભાઈ નીરજ સાથે તાત્કાલિક પોતાની દુકાને દોડી આવ્યા હતા. ત્યાં સુધીમાં તો અવાજ સાંભળીને આસપાસના રહીશો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
વેપારી અને સ્થાનિકોની ચતુર રણનીતિ
જ્યારે લોકો દુકાન પાસે પહોંચ્યા ત્યારે શટર અડધું ખુલ્લું હતું. નીચેથી તપાસ કરતાં અંદર બે ચોર હોવાની પૂરેપૂરી ખાતરી થઈ ગઈ હતી. આ સમયે લોકોએ કોઈપણ પ્રકારની ઉતાવળ કે બૂમાબૂમ કરવાને બદલે અત્યંત બુદ્ધિપૂર્વક કામ લીધું હતું. તેમણે તાત્કાલિક બહારથી શટર નીચે પાડી અને બહારથી લોક કરીને બંને ચોરોને દુકાનની અંદર જ કેદ કરી દીધા હતા.
આખરે ચોરોએ પોલીસ પાસે માંગી મદદ!
દુકાનની અંદર પૂરાઈ ગયેલા ચોરોએ બહાર લોકોની ભીડ જમા થવાનો અવાજ સાંભળ્યો, ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા. ટોળાના મારથી બચવા અને સહી સલામત નીકળવા માટે તેમણે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢીને સીધો જ પોલીસ હેલ્પલાઈન નંબર 112 પર કોલ લગાવ્યો હતો. ચોરોએ ગભરાયેલા અવાજે પોલીસને કહ્યું, "સાહેબ, અમે ચોરી કરવા આવ્યા હતા અને લોકોએ બહારથી શટર બંધ કરી દીધું છે! અમને બચાવો."
પોલીસે શટર ખોલી ચોરોને જેલ ભેગા કર્યા
ચોરોનો આજીજી કરતો કોલ મળતા પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો અને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આવીને શટર ખોલ્યું અને બંને ચોરોને સહી-સલામત બહાર કાઢીને તેમની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા અને અંદાજે 18 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસ સ્ટેશન લઈ જઈને આ બંને શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
