Valsad Par River Boat Capsized: વલસાડ જિલ્લાના પારડીના ઉમરસાડી માછીવાડ ગામમાંથી પસાર થતી પાર નદીમાં 7 જણાને લઈને જતી બોટ ઊંધી વળી ગઈ હતી. જેમાં બોટમાં સવાર 6 લોકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ દોઢ વર્ષીય બાળક પાણીમાં લાપત્તા થતાં તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજે અગિયારસના શુભ દિને ઉમરસાડી માછીવાડ ગામમાં રહેતા માછી સમાજના લોકો ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈને પાર નદીમાં પૂજા કરવા ગયા હતા. જ્યાં વળાંક લેતી વખતે અચાનક બોટ પાણીમાં ગુલાંટ ખાઈ જતાં બોટમાં સવાર મહિલાઓ સહિતના લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
જો કે બોટમાં સવાર લોકોને તરતા આવડતું હોવાથી તેઓ કિનારે પહોંચી ગયા હતા, પરંતુ એક દોઢ વર્ષનો બાળક પાણીમાં ગુમ થઈ ગયો હતો. જેની ઓળખ મોક્ષાર્થ ટંડેલ તરીકે થઈ છે. સ્થાનિક તરવૈયા તેમજ માછીમારો દ્વારા બાળકને પાણીમાં શોધવામાં આવી રહ્યો છે.
બીજી તરફ આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત ગામના સરપંચ સહિતનો કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો. આ ઘટનાના પગલે પાણીમાં ગુમ થયેલા બાળકનો પરિવાર ચિંતિત બન્યો છે.
