રાજકોટ હીરાસર એરપોર્ટના નવા ડાયરેક્ટર રીકે ધનંજયસિંહ મૂકાયા, કંડલામાં સોનલ નુરબુની નિમણૂંક

દેશના 10 એરપોર્ટ ડાયરેક્ટરોની બદલીનો હુકમ. તમામને આગામી 13 ઓક્ટોબર સુધીમાં પોતાનો હોદ્દો ફરજિયાત સંભાળી લેવો પડશે. તબીબી કારણોસર પ્રમોદકુમાર ઠાકરેને તેમની મૂળ કેડરમાં જાળવી રખાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 22 Sep 2026 06:59 PM (IST)Updated: Tue, 22 Sep 2026 06:59 PM (IST)
dhananjay-singh-appointed-as-new-director-of-rajkot-hirasar-airport

Rajkot Hirasar Airport Director Dhananjay Singh: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરના વિવિધ વિમાનમથકો ખાતે ફરજ બજાવતા 10 જેટલા એરપોર્ટ ડાયરેક્ટરો બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ડાયરેક્ટર તરીકે જામનગરથી ધનંજય કુમાર સિંહને મુકવામાં આવ્યા છે.

રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોહરાને બઢતી મળતા તેમની બદલી કરવામાં આવી હોય તેમના સ્થાને નવા ડીરેક્ટર તરીકે જામનગરથી ધનંજય કુમાર સિંહને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા અલગ અલગ 10 એરપોર્ટ ડિરેક્ટરની બદલી અને નિમણૂક અંગેનો એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સક્ષમ અધિકારીની મંજૂરી બાદ માનવ સંસાધન વિભાગ દ્વારા નવી નિમણૂંકો અને બદલીઓની ભારતના અલગ-અલગ એરપોર્ટના 10 ડાયરેક્ટરોની બદલીના જાહેર કરાયેલા આદેશ મુજબ, ભાવનગરના સંયુક્ત મહાપ્રબંધક પ્રશાંત પી. નિખારને સિલચરના એરપોર્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સિવાય જામનગર ખાતે ફરજ બજાવતા ઉપ મહાપ્રબંધક (વાણિજ્ય) ધનંજય કુમાર સિંહને રાજકોટના નવા એરપોર્ટ ડિરેક્ટર તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે.

પ્રયાગરાજના નવનીત કુમાર ગુપ્તાને એરપોર્ટ ડાયરેક્ટર પ્રયાગરાજ તરીકે, ડિમાપુરના મોઆતેમજેન પોંગેનને એરપોર્ટ ડાયરેક્ટર ડિમાપુર તરીકે , અયોધ્યાથી રાજેશ કુમારને દેવોગઢ તેમજ મધુકુમાર એસને અગત્તી એરપોર્ટના નવા એરપોર્ટ ડિરેક્ટરો તરીકે નિમણૂંક આપવામાં આવી છે. બદલી પામેલા અધિકારીઓએ 13 ઓક્ટોબર 2026 સુધીમાં પોતાનો નવો હોદ્દો સંભાળવા ફરજિયાત હુકમ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અન્ય એરપોર્ટ પર ફેરબદલમાં મદુરાઈ, તિરુપતિ, છત્રપતિ સંભાજીનગર, કંડલા અને જુહુ એરપોર્ટના વહીવટી સ્તરે પણ અમુક અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કે પુન:સ્થાપના કરવામાં આવી છે. જેમ કે જુહુના એરપોર્ટ ડાયરેક્ટર સોનમ નુરબૂને કંડલા એરપોર્ટના ડિરેક્ટર તરીકે મોકલવામાં આવ્યા છે.